કોરોનાના વધતા જતાં સંક્રમણ માટે લગ્નો, ચૂંટણીઓ અને ખેડૂત આંદોલન જવાબદાર: કેન્દ્રિય મંત્રી હર્ષવર્ધન

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન દ્વારા લગ્ન, સ્થાનિક ચૂંટણીઓ અને ખેડૂત આંદોલનને દેશમાં કોરોના વાઈરસના વધતા જતા કેસોનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે દેશના 11 રાજ્યોમાં કોરોના વાયરસના વધતા જતા કેસો ગંભીર ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકારે 11 રાજ્યોની એક અલગ સૂચિ બનાવી છે જ્યાં કોરોનામાં સ્થિતિ ભયાનક છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન છે. આ રાજ્યોમાં સૌથી વધુ તાણ છે કારણ કે અહીં કોરોનાથી થતાં મૃત્યુ પણ ઝડપથી વધી રહ્યા છે.

રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન ડો.હર્ષ વર્ધને કહ્યું હતું કે, ‘છેલ્લા બે અઠવાડિયામાં આ રાજ્યોમાં રોજિંદા કેસો અને કોરોના મૃત્યુની સંખ્યા સૌથી વધુ છે. આ 11 રાજ્યો એકલા કુલ કેસના 54 ટકા માટે જવાબદાર છે અને કોરોનાને કારણે 65 ટકા મૃત્યુ પણ આ રાજ્યોમાં થઈ રહ્યા છે. તેમાં મહારાષ્ટ્ર અને પંજાબ ટોચ પર છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 25% ચેપનો દર છે, જ્યારે છત્તીસગઢમાં તે 14 ટકા છે. ડો. હર્ષવર્ધને જણાવ્યું કે ફેબ્રુઆરી 2021થી આ રાજ્યોમાં કોરોનાના કિસ્સા ખૂબ ઝડપથી વધી ગયા છે અને મોટાભાગના ચેપગ્રસ્ત લોકોની ઉંમર 15થી 44 વર્ષની વચ્ચે છે. આની સાથે મોટાભાગના લોકો જેમણે કોરોનથી પોતાનો જીવ ગુમાવ્યો તે 60 કે તેથી વધુ ઉંમરના છે.

આરોગ્યમંત્રીએ રાજ્યોમાં પરીક્ષણોની સંખ્યામાં વધારાની પ્રશંસા કરી હતી, પરંતુ તેમણે ગુજરાત, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વધતી જતી એન્ટિજન પરીક્ષણોની સંખ્યા પર પણ સાવચેતી આપી હતી. ડો.હર્ષવર્ધન દ્વારા રાજ્યોને કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે તમામ શક્ય મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે દેશમાં કોરોનાથી થતાં મૃત્યુનું પ્રમાણ હવે 1.30 ટકા પર પહોંચી ગયું છે.