ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિમાં જરૂરિયતમંદોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિસ્કીટ અને આહાર વિતરણ કરાયું

Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદથી (Rain) સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ આ કપરી પરિસ્થિતિમાં લોકોની વહારે આવ્યું છે. વરસાદ એટલો અચાનક અને તીવ્ર રીતે આવ્યો કે કોઈપણ પૂર્વ તૈયારીનો સમય મળ્યો ન હતો. છતાં લોકો ભૂખ્યા ન રહે તેના માટે ટ્રસ્ટ દ્વારા બિસ્કિટ અને પુલાવનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટ હમેશાં કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવામાં અગ્રેસર રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પડેલ પુષ્કળ વરસાદે સર્જેલી તારાજીને કારણે જેઓનું જીવન પ્રભાવિત થયું છે, તેવા તમામ જરૂરિયાતમંદ લોકો માટે યુદ્ધના ધોરણે આહારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટા જથ્થામાં બિસ્કીટ અને આર.એસ.એસ સ્વયંસેવકો દ્વારા તૈયાર કરાયેલ પુલાવ સમગ્ર વેરાવળ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં વિતરણ શરૂ કર્યું છે.

સોમનાથ ટ્રસ્ટ તરફથી મેનેજર વિજયસિંહ ચાવડા સાહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા જરૂરિયાતમંદો સુધી પહોંચીને વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તેમણે લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં સોમનાથ મહાદેવના આશીર્વાદ અને સોમનાથ ટ્રસ્ટનો સહકાર લોકોની સાથે છે.

આ સાથે જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા બુંદી અને ગાઠીયાનું પણ બનાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જે જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે. આ કપરી પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા સોમનાથ ટ્રસ્ટ દ્વારા બનતી તમામ સહાયતા કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.