- ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ
- લક્ઝ્યુરિયસ કાર ચાલકે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા
- ગમખ્વાર અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર ગઈ મોડી રાત્રે ડમ્પર અને થાર વચ્ચે સર્જાયેલા અકસ્માતને જોવા ઉભેલા લોકોને જગુઆર કારના ચાલકે અડફેટે લેતા 9 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ, અસારવા સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતની કરૂણ ઘટનામાં કોઈએ એકનો એક પુત્ર ગુમાવ્યો છે તો કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9ના મૃત્યુ થયા છે. મૃતકોમાં બોટાદ, સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. મૃતક યુવકોના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. મૃતકના સ્વજનોએ હોસ્પિટલમાં આક્રંદ અને હૈયાફાટ રુદન કરતા ગમગીની છવાઈ ગઈ છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા બોટાદના રોનક અને કૃણાલના કાકાએ જણાવ્યું કે, મને સવારે 4 વાગ્યે જાણ થતાંની સાથે જ હું તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. રોનક અને કૃણાલ અમદાવાદમાં પીજીમાં રહેતા હતા. બંને માસિયાઈ ભાઈઓ માંથી એક એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને એક નોકરી કરતો હતો. બંને ભત્રીજા (રોનક, કૃણાલ) રાત્રે ચા પીવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન કાર ચાલકે તેઓને અડફેટે લેતા તેઓનું મૃત્યુ થયું છે. આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. કારચાલકની બેદરકારીને કારણે બંનેએ જીવ ગુમાવ્યા છે.
તો આ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાન નિલેશ ખટીક (ઉં.વ 38)ના ભાઈએ જણાવ્યું કે, મારા મામાનો દીકરો નિલેશ હોમગાર્ડમાં નોકરી કરે છે, તે ગઈકાલે રાત્રે ફરજ પર હાજર હતો. રાત્રિના સમયે તેને ચા પીવાની તલપ લાગતા તે ચા પીવા માટે ગયો હતો અને ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાતા તે મદદ માટે દોડી ગયો હતો. આ દરમિયાન એક કારચાલકે તેને કચડી નાખ્યો હતો. જે બાદ મને મારા સાહેબનો ફોન આવ્યો હતો કે તમારા ભાઈનો અકસ્માત થયો છે અને તેને ઈજાઓ થઈ છે. જે બાદ હું તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યો હતો. જ્યાં મારો ભાઈ મૃત્યુ પામ્યો હતો. તેમણે જણાવ્યું કે, મારો ભાઈ સેવા કરવા ગયો અને તેનો જીવ ગયો. આરોપી સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ.