મુંબઇ, મુંબઈ-નાશિક હાઇવે પર ભિવંડીમાં આજે વહેલી સવારે કન્ટેનર ચાલકે જીપને અડફેટમાં લેતા છ જણ મોતને ભેટયા હતા. આ દુર્ઘટનામાં ત્રણને ઈજા થઈ હતી. પોલીસે મામલાની નોંધ લઈ વધુ તપાસ આદરી છે. પડઘાથી જીપમાં વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિ ખડાવલી રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા. ત્યારે પડઘા વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે આજે સવારે ૬.૩૦ વાગ્યે અકસ્માત થયો હતો. જીપને સામેથી પૂરપાટ આવતા કન્ટેનરે ટક્કર મારી હતી. કન્ટેનરનો ડ્રાઇવર અંદાજે ૧૦૦ મીટર સુધી જપીને ઢસેડી ગયો હતો.
ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૃમના એક અધિકારીએ જણાવ્યું હતું કે ’અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટના સ્ળે જ ચાર જણના મોત થયા હતા. જ્યારે હોસ્પિટલમાં જતી વખતે અન્ય બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા દિલીપ વિશ્ર્વકર્મા, ચેતના જસે, કુણાલ ભામટેને ભિવંડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો તેમની મદદ માટે દોડી આવ્યા હતા.
મૃતકમાં ચિન્મય શિંદે (ઉં. વ. ૧૫), રિયા પરદેસી, ચૈતાલી પિંપળે (ઉં. વ. ૨૭), સંતોષ જાધવ (ઉં. વ. ૫૦), વસંત જાધવ (ઉં. વ. ૫૦), પ્રજવલ ફિરકેનો સમાવેશ છે.પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.