
મુંબઇ, બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ‘ઓહ માય ગોડ ૨’ સતત ચર્ચામાં રહી છે. જે દિવસથી આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ લોકોની સાથે-સાથે સેન્સર બોર્ડની નજર પણ આ ફિલ્મ પર છે. હાલમાં જ અક્ષય કુમારની ફિલ્મ રિવાઇઝિંગ કમિટીને મોકલવામાં આવી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન ફિલ્મને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ નથી ઈચ્છતું. હવે પંકજ ત્રિપાઠીએ આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
ફિલ્મમાં પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પંકજે સેન્સર બોર્ડના નિર્ણય પર પોતાનો અભિપ્રાય બધાની સામે રજૂ કર્યો હતો. પહેલા તો અભિનેતાએ કહ્યું કે, હજુ સુધી આ બાબતે બોલવાની પરવાનગી આપવામાં આવી નથી. આ સિવાય પોતાની ફિલ્મને લઈને પંકજ ત્રિપાઠીએ કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપો. અભિનેતાના કહેવા પ્રમાણે તેણે તેના ચાહકોને ફિલ્મ વિરુદ્ધ પ્રકાશિત થઈ રહેલા સમાચાર પર વિશ્ર્વાસ ન કરવા કહ્યું. આટલું જ નહીં પંકજે કહ્યું કે, ટૂંક સમયમાં જ આ ફિલ્મ સ્ક્રીન પર રિલીઝ થશે ત્યારે સત્ય બધાની સામે હશે.
તમને જણાવી દઈએ કે, ચાહકોને અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓએમજી ૨’નું ટીઝર પસંદ આવ્યું છે. આ વખતે ફિલ્મમાં અક્ષય ભગવાન શિવ શંકરની ભૂમિકા ભજવતો જોવા મળશે. જે લોકોની અંધશ્રદ્ધા દૂર કરશે. જ્યારે પંકજ ત્રિપાઠીના પાત્રનું નામ કાંતિ શરણ મુદગલ અને યામી ગૌતમનું પાત્ર વકીલનું હશે.
ઓએમજી ૨’ને લઈને વિવાદ ચાલુ છે. આ ફિલ્મના ટીઝરમાં ભગવાન શિવના અભિષેકને રેલવે ટ્રેક પર બતાવવામાં આવ્યો છે. જેને જોયા બાદ લોકોનું કહેવું છે કે તેમની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ હિંદુઓના દેવતાઓનું અપમાન છે. સોશિયલ મીડિયા પર મેર્ક્સ વિરુદ્ધ ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મનો પહેલો ભાગ ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે બીજા ભાગમાં શું અલગ હશે તેની ચાહકો રાહ જોઈ રહ્યા છે.