મલેકપુર, લુણાવાડામાં ટેલિફોનીક એકસચેન્જ પાછળ પાલિકા તંત્રની બેદરકારીના કારણે ગંદકીથી રહિશોને રોગચાળાનો ભય ફેલાયો છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા ગટર લાઈન રિપેરીંગ અંગે યોગ્ય કામગીરી ન કરવામાં આવતા ટેલિફોનીક એકસચેન્જ પાછળના વિસ્તારમાં રહિશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે.
લુણાવાડામમાં ધોળી રોડ પર ટેલિફોન એકસચેન્જની પાછળના ભાગે મારૂતિ નંદન નગર સોસાયીમાં નગરપાલિકા દ્વારા ગટરલાઈન રિપેરીંગ અંગે યોગ્ય કામગીરી ન કરવામાં આવતા ગંદા પાણીનો ભરાવો થયો છે. જેના કારણે ગંદકીનુ સામ્રાજય ફેલાયુ છે. ભયંકર દુર્ગંધના કારણે રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ગંદકીના કારણે આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગો ફેલાવવાની શકયતા વધી છે. પાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓ ગટર રિપેરીંગ કે આ દુષિત પાણીના નિકાલની કામગીરી કરાવતા નથી ત્યારે સત્વરે આ અંગે કામગીરી થાય તેવી રહિશોની માંગ ઉઠવા પામી છે અને સાથે આરોગ્ય વિભાગ પણ આ વિસ્તારમાં રોગચાળા અંગે સર્વેની કામગીરી કરી દવા છંટકાવ કરે તેવી સ્થાનિકોની રજુઆત છે.