લુણાવાડાના કીડીયા પાટીયા ગામે એસ.ટી.બસ પલ્ટી : સદ્નસીબે જાનહાનિ ટળી

મલેકપુર,છેલ્લા બે દિવસથી અલગ અલગ જગ્યાઓ ઉપર એસ.ટી.બસના અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મહિસાગર જીલ્લામાં વધુ એક એસ.ટી.બસને અકસ્માત નડ્યો હતો.

લુણાવાડા તાલુકાના વિરપુર-બાલાસિનોર હાઈવે માર્ગ પર કીડીયા પાટીયા પાસે પેસેન્જર ભરેલ બસ પલ્ટી ગઈ હતી. આ બસ ભરૂચ જીલ્લાના જંબુસર ડેપોની હતી. જે મહિસાગરના ખાનપુર તાલુકામાં આવેલ કારંટાથી જંબુસર જઈ રહી હતી. જેને કીડીયા પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો. બસ રોડની સાઈડમાં ઉતરીને પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતનો બનાવ બનતા આસપાસના સ્થાનિક લોકોના ટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બસના ડ્રાઈવર અને કંડકટર સાથે 12 જેટલા પેસેન્જરો મુસાફરી કરી રહ્યા હતા સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. બસમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સમગ્ર બનાવ અંગે એસ.ટી.વિભાગને જાણ થતાં એસ.ટી.વિભાગના કર્મચારીઓ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.