સીંગવડ, સીંગવડ તાલુકાના મોટા આંબલીયા ગામમાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે તકલીફનો સામનો જનતા કરી રહી હતી. અવાર નવાર ખાનગી કંપનીઓને ફરિયાદો તેમજ રજુઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ ઉકેલ નહિ આવતા ગામના જાગૃત નાગરિક દ્વારા બીએસએનએલને રજુઆત કરતા રજુઆતને ઘ્યાને લઈને તાત્કાલિક ધોરણે નવીન મોબાઈલ ટાવરની ફાળવણી કરી અને આદિવાસી સમાજના પવિત્ર તહેવાર એવા દિવાસાના દિવસે બીએસએનએલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના હસ્તે સીંગવડ તાલુકાના મોટા આંબલીયા ગામે ખાતામુર્હુત કરવાનુ નકકી કરાયુ હતુ. દિવાસાના પવિત્ર દિવસે બીએસએનએલ દ્વારા 4જીના ટાવર નિર્માણ માટે દાહોદ જીલ્લા ટેલિકોમ્યુનિકેશન અધિકારીના હસ્તે ખાતામુર્હુત કરવામાં આવ્યુ હતુ. આ 4જી ટાવરના નિર્માણથી યુવાનોએ હવે ડીજીટલ યુગનો લાભ જલ્દી મળતો થશે તેવુ અધિકારીઓ સાથે થયેલા વાર્તાલાપથી સ્પષ્ટપણે જાણી શકાતો નથી. જયારે આવનાર ટુંકા સમયમાં જ બીએસએનએલ દ્વારા નેટવર્કની શરૂઆત કરી દેવામાં આવશે અને તેનો આમ જનતા લાભ લેશે તેવુ ઉપસ્થિત અધિકારી દાહોદ દ્વારા જણાવ્યુ હતુ.