ઈરાને યુક્રેનનું વિમાન તોડી પાડવા માટે ૧૦ને દોષિત ઠેરવવા પડયા

ઈરાનમાં વર્ષ ૨૦૨૦માં લશ્કરી હુમલામાં યુક્રેનનું પ્રવાસી વિમાન તોડી પાડવા બદલ ૧૦ અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ વિમાન અકસ્માતમાં ૧૭૬ લોકો માર્યા ગયા હતા તેમ પ્રોસેક્યુટરે મંગળવારે જણાવ્યું હતું. ઈરાન વૈશ્વિક સત્તાઓ સાથે અટવાઈ પડેલા પરમાણુ સોદા અંગે પશ્ચિમી દેશો સાથે પરોક્ષ વાટાઘાટો કરી રહ્યું છે તેવા આ ચૂકાદો આવ્યો છે.

ઈરાને ગયા મહિને યુક્રેનના આંતરરાષ્ટ્રીય વિમાન નં. જીએસ૭૫૨ને તોડી પાડવા અંગે અંતિમ રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં વિમાન તોડી પડવાનું કારણ માનવીય ભૂલ દર્શાવ્યું હતું, પરંતુ આ ઘટના માટે કોઈને જવાબદાર ઠેરવાયા નહોતા. ઈરાનના આ રિપોર્ટના વૈશ્વિક સ્તરે ઘેરા પડઘા પડયા હતા અને વૈશ્વિક સમાજને તેની આકરી ટીકા કર્યા પછી ઈરાને ૧૦ અધિકારીઓને દોષિત ઠેરવ્યા છે.

તહેરાન મિલિટરી પ્રોસેક્યુટર ઘોલામબ્બાસ ટોરકીએ પણ ૧૦ અધિકારીઓના દોષિત હોવાની જાહેરાત કરતાં તેમના નામ જાહેર કરવાનું ટાળ્યું હતું. યુક્રેનનું વિમાન તોડી પાડવાનો મુદ્દો ઘણો જ ગંભીર અને વિગતવાર તપાસ માગી લેતો હતો અને આ માનવીય ભૂલ માટે ૧૦ અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તેમ મિઝાન ટોરકીએ જણાવ્યું હતું.

જાન્યુઆરી ૨૦૨૦માં ત્રણ દિવસ સુધી ઈનકાર કર્યા પછી પુરાવાઓ જાહેર થતાં આખરે ઈરાને કબૂલ્યું હતું કે તેના પારામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડે ભૂલથી યુક્રેનના વિમાનને જમીનથી હવામાં પ્રહાર કરી શકાત બે મિસાઈલથી ઊડાવી દીધું હતું. ગયા વર્ષે પ્રાથમિક અહેવાલો મુજબ ઈરાનીયન તંત્રે એર ડિફેન્સ ઓપરેટર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો અને કહ્યું હતું કે તેમણે ભૂલથી બોઈંગ ૭૩૭-૮૦૦ને અમેરિકન ક્રૂઝ મિસાઈલ માની લીધું હતું.

અમેરિકાએ ઈરાકમાં ઈરાનના ટોચના જનરલ સુલેમાનીની ડ્રોન હુમલામાં મારી નાંખ્યા પછી ઈરાને ઈરાકમાં અમેરિકન દળો પર વળતા બેલાસ્ટિક હુમલો કર્યો હતો. એ જ દિવસે ઈરાને કિવથી કેનેડા જતું યુક્રેનનું વિમાન તોડી પાડયું હતું. ઈરાને ગયા મહિને જાહેર કરેલા રિપોર્ટની યુક્રેન અને કેનેડાએ ઝાટકણી કાઢી હતી અને ઈરાને ઘટનાની ભેદભાવપૂર્ણ તપાસ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જોકે હવે ઈરાને આ ઘટના માટે ૧૦ અધિકારીઓને દોષિત ઠેરવ્યા છે. ઈરાન અને વિશ્વના પાંચ દેશો વિયેનામાં એટમિક કરારમાટે મળવાના છે તેના કેટલાક કલાક પહેલાં જ આ જાહેરાત થઈ હતી. આ બેઠકમાં અમેરિકા પરોક્ષ રીતે ઈરાન સાથે વાટાઘાટો શરૃ કરે તેવી શક્યતા છે.