નવીદિલ્હી, એશિયા કપ-૨૦૨૩નું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ ૩૧ ઑગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. આ વખતે એશિયા કપનું આયોજન પાકિસ્તાન અને શ્રીલંકા બન્ને જગ્યાએ કરવામાં આવશે જેમાં પાકિસ્તાનમાં ચાર મુકાબલા તો શ્રીલંકામાં નવ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચનું આયોજન શ્રીલંકામાં થશે. બન્ને ટીમો વચ્ચે પહેલા ગ્રુપ મેચ બે સપ્ટેમ્બરે રમાય તેવી શક્યતા છે તો ત્યારપછી બન્ને ટીમો વચ્ચે બીજી ટક્કર ૧૦ સપ્ટેમ્બરે થઈ શકે છે.
ક્રિકેટ પાકિસ્તાન ડૉટ કોમના જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે બન્ને મુકાબલા કોલંબો અથવા કેન્ડીમાં આયોજિત થવાની શક્યતા છે. આશા છે કે પાકિસ્તાનની ટીમ પોતાની પહેલી ગ્રુપ મેચ ૩૧ ઑગસ્ટે મુલતાનમાં નેપાળ વિરુદ્ધ રમશે અને ટૂર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ પણ એ જ દિવસે મુલતાનમાં આયોજિત કરવામાં આવશે.
પાકિસ્તાનમાં એશિયા કપની મેચોનું આયોજન લાહોરમાં પણ કરવામાં આવી શકે છે. જો આ પ્રસ્તાવિક કાર્યક્રમને મંજૂરી મળી જાય છે તો પાકિસ્તાનની ટીમ નેપાળ વિરુદ્ધ પોતાની પહેલી મેચના તુરંત બાદ શ્રીલંકા માટે રવાના થઈ જશે. દરમિયાન શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન શ્રીલંકા જતાં પહેલાં પાકિસ્તાનમાં તેના ગ્રુપ મુકાબલા રમશે.
ઉલ્લેખનીય છે કે, ભારતે એશિયા કપ-૨૦૨૩ માટે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધો હતો અને ત્યારપછી પીસીબી તરફથી તેને હાઈબ્રિડ મૉડલ હેઠળ રમવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. અનેક અડચણો બાદ અંતે એશિયન ક્રિકેટ પરિષદ (એસીસી)એ તેને અંતમાં હાઈબ્રિડ મોડેલમાં રમવાની મંજૂરી આપી દીધી હતી. જો કે પહેલાં પીસીબી મેનેજમેન્ટ સમિતિના પ્રમુખ જકા અશરફે એશિયા કપને હાઈબ્રિડ મોડેલમાં રમાડવાનો વિરોધ કર્યા હતો પરંતુ બાદમાં તેને મંજૂરી આપી દીધી હતી.
આમ એશિયા કપ-૨૦૨૩ના નવ મેચનું આયોજન શ્રીલંકામાં કરવામાં આવશે પરંતુ તેની યજમાની સંપૂર્ણ રીતે પાકિસ્તાનના હાથમાં જ રહેશે. આ વખતે એશિયા કપનું આયોજન વન-ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ૫૦ ઓવરના ફોર્મેટમાં કરવામાં આવ્યું છે.