છોટાઉદેપુર: ફિલ્મ મધર ઈન્ડિયા જેવો કિસ્સો, ગરીબી એવી કે જાતે જ બળદ બની ખેડે છે ખેતર

છોટાઉદેપુર: મધર ઈન્ડિયા ફિલ્મ અને તેના ગીત “દુનિયા મેં અગર આયે હૈ તો જીના હી પડેગા જીવન હૈ અગર જહેર તો પીના હી પડેગા” જેવી એક ખેડૂત પરિવારની કરુણ કહાની છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરમાં સામે આવી છે.

આ હૃદય કંપાવી દેતા દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના છે. એક ગરીબ ખેડૂત જાતે જ બળદ બની તેની પત્ની સાથે ખેતી કરી રહ્યો છે. આ ખેડૂત છે અનુભાઈ રાઠવા, જે રીતે મધર ઈન્ડીયા ફિલ્મમાં એક ખેડૂત માતા પોતાના બાળકોના પેટ ભરવા માટે જાતે જ હળ ખેંચી જમીન ચિરી ખેતી કરે છે. તેવી જ રીતે અહીં અનુભાઈ અને તેમના પત્ની સીતાબેન પણ પોતાનું અને પોતાના દીકરાના પેટ માટે જાતે જ બળદ બની હળ ખેંચવા મજબૂર છે. અનુભાઈના પરિવારમાં એક સંતાન છે, જે માનસિક દિવ્યાંગ છે. આ જ કારણે અનુભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી આર્થિક બદહાલીમાં જીવન જીવી રહ્યા છે. ઘરમાં બે ભેંસો છે, તેમજ ખેત મજૂરી કરી જે કમાણી થાય છે તેમાંથી મોટાભાગનો ખર્ચો યુવાન દીકરાની સારવાર પાછળ ખર્ચ થાય છે.

વારસાગત જમીનનાં ભાગલા પડતાં પડતા અનુભાઈના ભાગે માત્ર અડધા વીઘા જેટલો ટુકડો ભાગે આવ્યો છે. જેમાં ખેતી કરી ગુજરાન ચલાવવું અશક્ય છે. જેથી પોતાનું અને પરિવારનું જીવન ગુજારવા અનુભાઇ ભાગે ખેતી રાખે છે. જ્યાં જમીન બીજાની અને ખાતર બિયારણ તેમજ મહેનત અનુભાઈ અને તેમની પત્નીની. હવે આ મોંઘવારીમાં મોઘું બિયારણ, મોઘું ખાતર અને ઉપરથી જો ખેડાણ માટે બળદ કે ટ્રેક્ટર ભાડે લે તો વધુ ખર્ચ થાય તેથી વર્ષોથી અનુભાઈ જાતે જ હળ ખેંચે છે અને પાછળ તેમની પત્ની મદદ કરે છે.

એવું નથી કે અનુભાઈની વ્યથાથી કોઈ અજાણ હોય, તાલુકા સેવાસદન તરફ જતા અતિ વ્યસ્ત માર્ગથી અડીને જ અનુભાઈ ખેતી કરી રહ્યા છે. સૌ કોઈ જાણે જ છે પરંતુ નિસહાય દંપતીની દયનીય હાલત પ્રત્યે માત્ર સંવેદના જ વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતને સરકારી સહાયથી ટ્રેક્ટર મળે છે પરંતુ એના માટે પણ સબસિડી બાદ કરી મોટી રકમ તો ચૂકવવી પડે જેની પણ અનુભાઈ સગવડ કરી શકે તેમ નથી. તેવામાં શું કરવું તે મોટો સવાલ છે? શું આવી રીતે જ અનુભાઈ અને તેમનું પરિવાર આખું જીવન વિતાવશે?