નવીદિલ્હી, છેલ્લા બે વર્ષથી નીતિ આયોગના એક્સ્પોર્ટ પ્રિપેર્ડનેસ (નિકાસની તૈયારી માટેના) ઇન્ડેક્સમાં મોખરે આવતું ગુજરાત ચોથા ક્રમે ગબડ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતને પછાડી તમિલનાડુએ ૨૦૨૨ના ઇન્ડેક્સમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. નિકાસની સંભાવના અને પ્રદર્શનને આધારે જે તે રાજ્યને ઇન્ડેક્સમાં સ્થાન મળે છે.
મહારાષ્ટ્ર ૭૮.૨૦ પોઇન્ટ સાથે બીજા અને કર્ણાટક ૭૬.૩૬ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. જ્યારે બે વર્ષથી મોખરે રહેલું ગુજરાત ૭૩.૨૨ના સ્કોર સાથે ચોથા ક્રમે સરક્યું છે. નીતિ આયોગે સોમવારે જારી કરેલા અહેવાલમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ અને કેરલનો ટોપ-૧૦ રાજ્યમાં સમાવેશ થયો છે. પહાડી કે હિમાલયના વિસ્તારમાં આવેલા રાજ્યોમાં ઉત્તરાખંડે ૫૯.૧૩ના સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઇન્ડેક્સમાં ત્યાર પછીના ક્રમે હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રહ્યા છે. મેદાની વિસ્તારોમાં હરિયાણાએ ૬૩.૬૫ પોઇન્ટ સાથે ઇન્ડેક્સમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. તેલંગાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ત્યાર પછીના ક્રમે રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશો અને નાના રાજ્યોમાં ગોવા (૫૧.૫૮) પ્રથમ સ્થાન પર છે. યાદીમાં ત્યાર પછીના ક્રમે જમ્મુ-કાશ્મીર, દિલ્હી, અંદામાન-નિકોબાર અને લદ્દાખને સ્થાન મળ્યું છે.
એક્સ્પોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સનો ઉપયોગ રાજ્યો તેમના હરીફોની તુલનામાં પોતાના પ્રદર્શનને મૂલવવા માટે કરે છે. ઉપરાંત, સંભવિત પડકારોના વિશ્લેષણ સાથે નિકાસ આધારિત વૃદ્ધિ અંગે વધુ સારી યોજના તૈયાર કરવા પણ ઇન્ડેક્સ ઉપયોગી છે. ઇન્ડેક્સમાં રાજ્યોને મુખ્ય ચાર બાબતોને આધારે રેન્કિંગ અપાય છે. જેમાં પોલિસી, બિઝનેસ ઇકોસિસ્ટમ, નિકાસ માટેની ઇકોસિસ્ટમ અને નિકાસ પ્રદર્શન સામેલ છે. ઇન્ડેક્સનો હેતુ સાનુકૂળ પોલિસી, નિયમન માળખામાં સરળતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ સહિતની બાબતો માટે રાજ્યોમાં સ્પર્ધા વધારવાનો પણ છે.
નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ’રાજ્યો દેશની નિકાસનો મૂળભૂત પાયો છે. નિકાસની સંપૂર્ણ ઇકોસિસ્ટમ રાજ્યોમાં જ આકાર લે છે. ઇન્ડેક્સના રેન્કિંગનો અહેવાલ વિષય અંગે જાગૃતિ વધારવામાં મદદ કરશે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’ભારતે નિકાસને વધુ વ્યાપક બનાવવાની જરૂર છે.’ અહેવાલની વિગત અનુસાર દેશના ૬૮૦ જિલ્લા નિકાસમાં સક્રિય છે. જેમાંથી લગભગ ૮૭ ટકા નિકાસ ૧૦૦ જિલ્લા કરે છે.