જોધપુરમાં ૧૭ વર્ષની દલિત યુવતી પર ત્રણ લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો

  • ત્રણેય આરોપીઓ આરએસએસની વિદ્યાર્થી પાંખ એબીવીપીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા.

જોધપુર, રાજસ્થાનના જોધપુરમાં ૧૭ વર્ષની દલિત યુવતી પર ત્રણ લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે. દલિત યુવતી તેના બોયફ્રેન્ડ સાથે જોધપુર પહોંચી હતી જ્યાં આરોપી તેને મદદ કરવાના બહાને પોતાની સાથે લઈ ગયો અને ત્યાં જઈને પહેલા બોયફ્રેન્ડની મારપીટ કરી અને પછી એક પછી એક યુવતી પર બળાત્કાર કર્યો. જ્યારે પોલીસને આ ઘટનાની જાણ થઈ, ત્યારે થોડા કલાકોમાં જ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે ત્રણેય આરોપીઓ આરએસએસની વિદ્યાર્થી પાંખ એટલે કે એબીવીપીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા. જો કે, એબીવીપીએ આરોપીઓ સાથે કોઈ સંબંધ હોવાનો સ્પષ્ટપણે ઇન્કાર કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાયું છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સમગ્ર મામલે ડીજીપી ઉમેશ મિશ્રા સાથે વાત કરી છે. પોતાના ગૃહ જિલ્લામાં આવા ગુના પછી સીએમ ગેહલોતે ડીજીપી સાથે વાત કરી અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું. સીએમ ગેહલોતે કહ્યું કે પોલીસે જે તત્પરતાથી આરોપીની ધરપકડ કરી છે તે પ્રશંસનીય છે. તેમણે એમ પણ કહ્યું કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી પીડિતાને ન્યાય અપાવી શકાય.

જોધપુર પૂર્વ પોલીસના ડેપ્યુટી કમિશનર અમૃતા દુહાને જણાવ્યું કે પીડિતા તેના બોયફ્રેન્ડ સાથે અજમેરથી ભાગીને જોધપુર પહોંચી હતી. બંને શનિવારે રાત્રે લગભગ ૧૦.૩૦ વાગે જોધપુર પહોંચ્યા હતા. અહીં તેને રાત વિતાવવા માટે ગેસ્ટ હાઉસની જરૂર હતી. જ્યારે તેઓ એક ગેસ્ટ હાઉસમાં ગયા અને રૂમ માંગ્યો ત્યારે ત્યાંના કેરટેકર સુરેશ જાટે યુવતીની છેડતી કરી. આ ઘટનાથી વ્યથિત થઈને તે રૂમ લીધા વગર ત્યાંથી ભાગી ગયો હતો.

ગેસ્ટ હાઉસમાંથી નીકળ્યા બાદ પીડિતા અને તેનો બોયફ્રેન્ડ શહેરના પાઓટા ક્રોસિંગ પર પહોંચ્યા હતા. અહીં તે સમંદર સિંહ ભાટી, ધરમપાલ સિંહ અને ભટ્ટમ સિંહને મળ્યો. ત્રણેયની ઉંમર ૨૦-૨૨ વર્ષની વચ્ચે છે. ડીસીપીએ કહ્યું કે આરોપીએ પીડિતા અને તેના બોયફ્રેન્ડ સાથે મિત્રતા કરી અને તેમને ખાવાનું અને ઠંડા પીણાની ઓફર કરી. જ્યારે પીડિતાએ ત્રણેય આરોપીઓને પોતાના અને તેના બોયફ્રેન્ડ વિશે જણાવ્યું તો તેઓએ બંનેને મદદ કરવાનું આશ્ર્વાસન આપ્યું.

ડીસીપીએ કહ્યું કે મદદ કરવાના નામે ત્રણેય આરોપીઓએ પીડિતા અને તેના બોયફ્રેન્ડને રવિવારે સવારે લગભગ ૪ વાગે રેલ્વે સ્ટેશન પર મૂકવા કહ્યું. જ્યારે બંને તેમની સાથે જવા માટે રાજી થયા ત્યારે આરોપીઓ તેમને સીધા જય નારાયણ વ્યાસ યુનિવસટીના હોકી ગ્રાઉન્ડમાં લઈ ગયા હતા. તે જૂના કેમ્પસમાં સ્થિત છે. અહીં તેઓએ છોકરાને માર માર્યો અને તેને બંધક બનાવી લીધો. આ પછી તેઓએ પીડિતા પર એક પછી એક રેપ કર્યો.

જ્યારે ત્રણેય આરોપીઓએ મોર્નિંગ વોર્ક્સને મેદાનની બાજુમાં આવતા જોયા તો તેઓ તુરંત જ સ્થળ પરથી ભાગી ગયા હતા. જ્યારે પીડિતાના બોયફ્રેન્ડે લોકોને જોયા તો તેમની પાસે મદદ માંગી. જે બાદ પોલીસને તેની જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાની ફરિયાદ સાંભળી. પીડિતા અને તેની સાથે આવેલા છોકરાના નિવેદનના આધારે પોલીસે તરત જ આરોપીની શોધ શરૂ કરી. પોલીસે ડોગ સ્કવોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમને પણ સ્થળ પર બોલાવી હતી.

ડીસીપી દુહાને જણાવ્યું કે જ્યારે પોલીસે ટ્રેસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે ત્રણેય આરોપીઓ રતનદાની નજીક આવેલા ગણેશપુરામાં એક ઘરમાં છુપાયેલા છે. પોલીસને આવતી જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બે લોકોના પગમાં ફ્રેક્ચર થયું છે જ્યારે ત્રીજા આરોપીને હાથમાં ગંભીર ઈજા થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓની સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.