હિટ એન્ડ રનના બે બનાવમાં બેનાં મોત:કઠલાલના વેજલીયા-સરખેજ રોડ અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં એકનું મોત

નડિયાદ: ખેડા જિલ્લામાં વિતેલા દિવસો દરમિયાન હિટ એન્ડ રનના બે જુદા જુદા બનાવો પોલીસ દફ્તરે નોંધાયા છે. જેમાં બે વ્યક્તિઓનુ મોત નિપજ્યું છે. જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. કઠલાલ પાસે વેજલીયા-સરખેજ રોડ પર અજાણ્યા વાહને બે મોટરસાયકલને અડફેટે લેતાં એક મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. આ મરણજનાર યુવાન દશામાનુ વ્રત હોય બહેનને સાસરીમાં લેવા જતા અકસ્માત નડ્યો છે. જ્યારે ઠાસરાના ગુમડીયા-ઠાસરા રોડ પર અજાણ્યા વાહને મોટરસાઇકલને ટક્કર મારતાં એકનું સારવાર દરમિયાન મોત અને એકને ઈજા પહોંચી છે. આમ બંને બનાવો મામલે હદ ધરાવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જોઈતાજીની મુવાડી ગામે રહેતા 20 વર્ષિય અર્જુન લીલાભાઇ ઠાકોર ગતરોજ પોતાની બહેનને દશામાનુ વ્રત હોવાથી તેણીની સાસરીમાં લેવા માટે ગયો હતો. પિતાનું મોટરસાયકલ નંબર (GJ 31 F 3664) લઈને અર્જુન સરખેજ બહેનને લેવા માટે ગયો હતો. આ દરમિયાન બપોરના સુમારે ખેડા જિલ્લાના કઠલાલના વેજલીયા-સરખેજ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને તેના ઉપરોક્ત મોટરસાયકલ નંબર અને આગળ જતાં અન્ય મોટરસાયકલ નંબર (GJ 07 CQ 9317)ને ટક્કર મારી પલાયન થયો હતો. આથી આ બંને મોટરસાયકલ ચાલક વાહન સાથે રોડ પર પટકાયા હતા. આ અકસ્માતની ઘટનામાં ઉપરોક્ત અર્જુન લીલાભાઇ ઠાકોરનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. જ્યારે અન્ય બાઈક સવારને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ત્રીપલ અકસ્માત બનાવ મામલે મૃતકના મોટાભાઈ કરણભાઈએ કઠલાલ પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

ઠાસરાના નિમાવાળા વિસ્તારમાં રહેતા દિપકભાઈ ઠાકોરલાલ કોઠારી ગતરોજ પોતાના મિત્ર યાકુબભાઈ ઈબ્રાહીમભાઈ વ્હોરા સાથે તેઓના મોટરસાયકલ પર બેસી ઠાસરા પાસેના ગુમડીયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ વાહન ચાલકે ઉપરોક્ત મોટરસાયકલને ટક્કર મારી હતી. આથી બંન્ને લોકો વાહન સાથે રોડ પર પટકાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ઘાયલ બંને લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દિપકભાઈ કોઠારીનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે મરણજનારના વિસ્તારના રહીશ હર્ષદભાઈ છગનભાઇ પટેલે ડાકોર પોલીસમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.