
મુંબઇ, ૯૦ ના દાયકામાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક મનીષા કોઈરાલાએ આ વર્ષે કાર્તિક આર્યનની ફિલ્મ શહજાદામાં તેની માતાની ભૂમિકા ભજવી હતી. સંજુ ફિલ્મમાં તેણે રણબીર કપૂરની માતાની ભૂમિકા ભજવી હતી. મનીષાએ કહ્યું કે સમય બદલાઈ ગયો છે અને તે હવે આકર્ષણનું કેન્દ્ર નથી.
મનીષા કોઈરાલા ૯૦ના દાયકાની ટોચની અભિનેત્રી રહી છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. કેન્સર સામેની લડાઈ જીત્યા બાદ તેણે ’ડિયર માયા’, ’લસ્ટ સ્ટોરી’, ’સંજુ’, ’પ્રસ્થાનમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. સંજુ માટે તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે દિવંગત અભિનેત્રી નરગીસ અને સંજય દત્તની માતાની ભૂમિકામાં જોવા મળી હતી. તેણે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ’શહેજાદા’માં કાર્તિક આર્યનની માતાની ભૂમિકા પણ ભજવી હતી. જે અભિનેત્રી ફિલ્મોમાં લીડ રોલ કરતી હતી તેને હવે માતાનો રોલ મળી રહ્યો છે. તેણીએ આ અંગે થોડું દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું અને તેનો સ્વીકાર પણ કરી રહી છે.
મનીષા કોઈરાલાએ કહ્યું કે લીડ એક્ટ્રેસ કેરેક્ટર રોલ સુધીનો બદલાવ તેમના માટે મુશ્કેલ હતો. પરંતુ વધતી જતી ઉંમર સાથે તેને પણ શાંતિ મળવા લાગી છે જ્યારે તે કોઈ ફિલ્મમાં આકર્ષણનું કેન્દ્ર નથી બની શક્તી. મનીષાએ આપેલા ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી. મનીષાએ કહ્યું કે તેણે કાર્તિકની માતાની ભૂમિકા ભજવી કારણ કે તે ગંભીર ભૂમિકા ભજવ્યા બાદ કૉમર્શિયલ ડ્રામામાં અભિનય કરવા માંગતી હતી. મનીષા કોઈરાલાએ અફસોસ સાથે સ્વીકાર્યું કે જ્યારે કોઈ મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવે છે, ત્યારે આખું વિશ્ર્વ તેમની આસપાસ ફરે છે. પરંતુ જ્યારે તેઓ પાત્રની ભૂમિકા ભજવવાનું શરૂ કરે છે, ત્યારે સમગ્ર સેટઅપ બદલાઈ જાય છે. આનાથી તે થોડી ઉદાસ થઈ અને એ પણ સમજાયું કે સમય આગળ વધી ગયો છે. તેની પાસે પહેલા જેવું સ્ટારડમ નથી. નવી અભિનેત્રીઓ આવી છે.