
દાહોદ સબ જેલમાં દશા માના પવિત્ર વ્રત ઉત્સવ નિમિત્તે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જેલ પ્રશાસન અને બંદીવાનોના સહયોગથી જેલ પરિસરમાં દશા માની મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી છે.
બંદીવાનોમાં આધ્યાત્મિક ભાવના જાગૃત થાય અને તેમને સન્માર્ગે વળવાની પ્રેરણા મળે તે હેતુથી આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય બંદીવાનોમાં માનસિક શાંતિ અને સકારાત્મક વિચારસરણી વિકસાવવાનો છે.

મૂર્તિ સ્થાપના બાદ જેલના અનેક બંદીવાનોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે દશા માના દસ દિવસના વ્રત અને ઉપવાસનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમથી બંદીવાનોમાં પણ શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દસ દિવસ દરમિયાન જેલ પરિસરમાં દરરોજ સવાર અને સાંજ મંત્રોચ્ચાર સાથે દશા માની આરતી અને પૂજા કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમ દાહોદ સબ જેલ અધિક્ષક એમ.એલ. ગમારા સહિત જેલ સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો.