સંજેલી પોલીસ મથક જમીન તકરારની અરજી આપવા ગયેલ વૃધ્ધ પોલીસ અધિકારીએ મારમારતાં પીએસઆઈ વિરૂદ્ધ ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી પોલીસ સ્ટેશનમાં જમીન સંબંધી તકરાર અનુલક્ષી અરજી આપવા ગયેલ ઉંમર લાયક વ્યક્તિને તારૂ બોલવાનું બંધ થતું નથી તેમ કહી ગાલે તમાચા મારી સંજેલી પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારીએ પ્લાસ્ટીકની પાઈપ વડે માર મારતાં સંજેલી પોલીસ સ્ટેશનમાં જ પીએસઆઈ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગત અનુસાર સંજેલી તાલુકાના વાસીયા ગામના આમલી ફળિયાના મૂળ વતની અને હાલ દાહોદ શિવશક્તિ સોસાયટી, પ્લોટ નં. 2 માં રહેતા 59 વર્ષીય લાલુભાઈ સબુરભાઈ વસૈયાને તેમના ગામના અન્ય ઈસમ સાથે જમીન સંબંધી તકરાર ચાલતી હોવાથી બંને જણા ગત તા.1-7-2023ના રોજ બપોરનવા સાડા ત્રણ વાગ્યાના સુમારે સંજેલી પોલીસ સ્ટેશનમાં જમીન સંબંધી તકરારને અનુલક્ષી અરજી આપવા ગયા હતા. તે વખતે લાલુભાઈ સબુરભાઈ વસૈયા તથા સામા પક્ષવાળાએ સામસામે અરજીઓ આપતાં બંને પક્ષને સંજેલી પી.એસ.આઈ પટેલે પુછપરછ કરી હતી. તે દરમ્યાન લાલુભાઈ વસૈયા વચ્ચે બોલતા, પી.એસ.આઈ. પટેલે તું કેમ વચ્ચે બોલે છે, કહી લાલુભાઈ વસૈયાને તમાચા મારી તમારે શું કરવુપં છે તેંમ પુછતાં બંને પત્રો સમાધાન માટે સહમત થયા હતા આ અરસામાં લાલુભાઈ વસૈયાએ પી.એસ.આઈ. પટેલને કહેલ કે મને મારવાનું કારણ શું ? જેથી પી.એસ.આઈ પટેલે તારૂ બોલવાનું બંધ થતું નથી. તેમ કહી પ્લાસ્ટીકની પાઈપ વડે બંને હાથોની હથેળીઓમાં મારમારી ફ્રેક્ચર કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ સંબંધે ગંભીર ઈજાગ્રસ્ત લાલુભાઈ સબુરભાઈ વસૈયાની પત્ની મંજુલાબેન લાલુભાઈ વસૈયાએ સંજેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે સંજેલી પી.એસ.આઈ પટેલ વિરૂધ્ધ ઈપિકો કલમ 323, 325 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.