ડાકોરમાં રખડતા ઢોરોનો ત્રાસ : પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહિ

ડાકોર, યાત્રાધામ ડાકોરમાં રખડતા ઢોરની સમસ્યા જાણે શહેરનો એક ભાગ બની ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. ડાકોરમાં રખડતા પશુઓથીએક વ્યકિતને ગંભીર ઈજાનો સામનો કરવો પડ્યો હતો. ગાયે અડફેટે લેતા 52 વર્ષિય આધેડને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આટલો મોટો બનાવ બનતા છતાં તંત્રની ઉંઘ ઉડતી નથી.

યાત્રાધામ ડાકોરમાં દેશ-વિદેશની લોકો રાજા રણછોડના દર્શનાર્થે આવે છે. ત્યારે એક દિવસ પહેલા પશુએ આધેડને અડફેટે લીધાનો બનાવ થયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. રવિવાર હોવાના કારણે દિવસભર ભગવાનના દર્શને યાત્રાળુઓ આવ્યા હતા. ત્યારે રસ્તામાં મોટા પ્રમાણમાં રખડતા ઢોર દેખાયા હતા. જેને જોતા તંત્ર દ્વારા કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યુ હોય તેમ જણાય છે. રસ્તામાં રખડતા ઢોરના કારણે કોઈપણ વ્યકિતને ઈજાઓ પહોંચે તેની સાવચેતી તંત્રને રાખવાની હોય છે પરંતુ તંત્ર નિંદ્રામાં દેખાઈ રહ્યુ છે.