ઈસ્લામાબાદ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને કહ્યું કે જો તેમની પાર્ટી પર પ્રતિબંધ મુકવામાં આવશે તો તેઓ આગામી ચૂંટણી લડવા અને ચૂંટણી જીતવા માટે એક નવો રાજકીય પક્ષ બનાવશે. ડોને નિક્કી એશિયાને ટાંકીને આ માહિતી આપી હતી.
તમને જણાવી દઈએ કે ૯ મેના રોજ પાકિસ્તાનમાં હિંસક દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ પ્રદર્શનકારીઓ અને પીટીઆઈ પર કડકાઈની માંગ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં અનેક સરકારી હસ્તીઓએ ઈમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ લગાવવાની હાકલ કરી હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવો જ એકમાત્ર ઉપાય છે.
સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે આ પગલા પર વિચારણા કરવામાં આવી રહી છે અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના અધ્યક્ષ અને વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવાના કોઈપણ પગલાનો વિરોધ કરશે નહીં.તે જ સમયે, પીટીઆઈ પર સંભવિત પ્રતિબંધ સાથે સંબંધિત પ્રશ્ર્ન પર ઈમરાન ખાને કહ્યું કે જો તેઓ પાર્ટી પર પ્રતિબંધ મૂકે છે, તો અમે નવા નામ સાથે પાર્ટી બનાવીશું અને ચૂંટણી જીતીશું. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ મને ગેરલાયક ઠેરવીને જેલમાં નાખશે તો પણ પાર્ટી ચૂંટણી જીતશે.
ઉલ્લેખનીય છે કે શાહબાઝ શરીફ સરકારનો કાર્યકાળ ૧૪ ઓગસ્ટના રોજ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરશે.