અમદાબાદ: દેશભરમાં ભારે વરસાદ બાદ કેટલાક રાજ્યમાં વિનાશ જોવા મળી રહ્યો છે. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, જૂનમાં ચોમાસાની શરૂઆત થયા પછી ભારતમાં ભારે વરસાદ સબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધી 624 લોકોના મોત થયા છે. જોકે, આ ગત વર્ષની તુલનામાં આશરે 32 ટકા ઓછા છે. ગૃહ મંત્રાલયનો આ રિપોર્ટ અલગ અલગ રાજ્યમાં ભારે વરસાદ બાદ કૃષિ અને સંપત્તિના નુકસાન સાથે મોતને જોડે છે, જે બાદ આ આંકડો સામે આવે છે.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો અને તે પછી ભારે વરસાદ બાદ સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત બન્યું હતું. ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ 103 લોકોના મોત થયા છે.
આ વર્ષે ચોમાસાનો સૌથી વધુ પ્રકોપ હિમાચલ પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. અહી 223 મિમી વરસાદ નોંધાયો છે, જે સોલન અને ઉના માટે છેલ્લા 50 વર્ષમાં સૌથી વધારે છે. જો મોતની વાત કરવામાં આવે તો આ સીઝનમાં અત્યાર સુધી હિમાચલ પ્રદેશમાં 99 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 2022માં 187 લોકોના મોત થયા હતા. કર્ણાટકમાં 87, રાજસ્થાનમાં 36 લોકોના મોત થયા છે. આ સિવાય પૂર પ્રભાવિત પંજાબમાં 11 અને હરિયામામાં 19 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, આસામમાં આ વર્ષે વરસાદ સબંધિત ઘટના બાદ 38 લોકોના મોત થયા છે, જે ગત વર્ષના મુકાબલે ઘણા ઓછા છે. આ સિવાય મણિપુરમાં 8 લોકોના મોતના સમાચાર છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં આ વર્ષે 15 જૂન સુધી 92 મોત થયા છે. આ સિવાય ભારતના કેટલાક ભાગમાં વર્ષ 2022ની તુલનામાં આ વર્ષે સામાન્યથી ઓછો વરસાદ પડ્યો છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ અનુસાર, તેલંગાણા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 12 રાજ્યમાં ઓછો વરસાદ પડ્યો છે.