રાજકોટ: ખેડૂતના બંધ મકાનમાં ૧૬ લાખની ચોરી કરનાર પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

રાજકોટ, શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત ૩જી જુલાઈના રોજ સરધાર ગામ ખાતે બંધ મકાનમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ ૧૬ લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ સમગ્ર મામલે રાજકોટ શહેર બ્રાન્ચ દ્વારા મુકેશ સોલંકી, વલ્લભભાઈ સોલંકી તેમજ જીતેશ સોલંકી નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી અંદાજિત પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે કે ૧૧ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે.

પોલીસની પૂછપરછમાં આરોપી વલ્લભ સોલંકી આશરે ૨૦ વર્ષ પૂર્વે જૂનાગઢ ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાઈ ચૂક્યો હોવાની કબુલાત આપી છે. જ્યારે કે અન્ય આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી વધુ મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મુકેશ અને વલ્લભભાઈ બંને સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે, જ્યારે કે જીતેશ સોલંકી વલ્લભભાઈનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા બનાવના આગલા દિવસે રેકી કર્યા બાદ બીજા દિવસે ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લાના સરધાર ગામ ખાતે આવેલા કેજી સોસાયટીમાં મગનભાઈ ઢાકેચા (ઉવ.૫૫) નામના ખેડૂતના બંધ ઘરમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ ૧૬,૫૯,૫૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ સમગ્ર ઘટનામાં સામેલ બે જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ પણ સીસીટીવીમાં કેદ થવા પામ્યા હતા.

રાજકોટ જિલ્લાના સરદારના કેજી વિસ્તારમાં રહેતા ખેડૂત મગનભાઈ ઢાકેચા તેમજ તેમના પરિવારજનો રવિવારના રોજ ઘરની તાળા મારી કાલાવડ ખાતે પોતાના વેવાઈના ઘરે ગયા હતા. રાત્રે મોડું થઈ જતા તેઓ વેવાઈના ઘરે જ રોકાઈ ગયા હતા. બીજી તરફ સમગ્ર મામલે તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં રહેલા સોના તેમજ ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત ૧૬ લાખથી પણ વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે ખેડૂત દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવ સંદર્ભે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા રાત્રિના ૨:૫૧ કલાકે બે જેટલા ચોર આવતા હોવાનું જણાયું હતું. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ બંને વ્યક્તિઓ શંકાસ્પદ જણાયા હતા.