અમૃતસર, ભારતે ૧૮ પાકિસ્તાની નાગરિકોને તેમના વતન મોકલી દીધા છે. આમાંથી ઘણા નાગરિકો એવા હતા કે તેઓ લગભગ ૭ વર્ષ પછી વતન પરત ફરી રહ્યા છે. આ પાકિસ્તાની નાગરિકોને કાગળની કાર્યવાહી બાદ અટારી બોર્ડર મારફતે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨ નાગરિકો અને ૬ માછીમારો છે.ભારતમાં ઇલિગલ પહોંચેલા કરાચીના અનીફ ખાને જણાવ્યું કે તેના લગ્નને ૧૦ વર્ષ થયા છે, તેને કોઈ સંતાન નથી. તેથી તેણે ભારત આવવાનું નક્કી કર્યું. પાકિસ્તાની નાગરિકોને નેપાળમાં વિઝા ઓન અરાઈવલ મળે છે. એટલા માટે તે સીધો નેપાળ આવ્યો હતો અને ત્યાંથી ભારતીય સરહદમાં પ્રવેશ્યો હતો.તે ભારતમાં ખ્વાજાજીની દરગાહ પર આવ્યો, પણ પકડાઈ ગયો. પકડાયો ત્યારે તે ૫૦ વર્ષનો હતો, હવે તે ૫૭ વર્ષનો છે.
અનીફે જણાવ્યું કે ૭ વર્ષ પહેલા તે ભારત આવ્યા બાદ બે વખત તેની રિલીઝ અટકાવવામાં આવી હતી. પ્રથમ પુલવામા હુમલો થયો. જે બાદ બંને સરકારોએ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. વાત અહીં પણ અટકી ન હતી. તે પછી, વર્ષ ૨૦૨૦ માં કોરોના આવ્યો અને સરહદો સીલ કરવામાં આવી. આખરે હવે ૭ વર્ષ પછી તે રિલીઝ થઈ રહ્યો છે. આ તમામ ૧૮ લોકોની વાર્તા છે જેઓ વર્ષો પછી તેમના પરિવાર સાથે ફરી મળશે.