વોશિગ્ટન, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, એટલે કે ઈસરોએ શુક્રવારે બપોરે ૨.૩૫ વાગ્યે ચંદ્રયાન-૩ મિશન લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન ૧૬ મિનિટ પછી સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું. આ સફળ લોન્ચની માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્ર્વમાં પ્રશંસા થઈ રહી છે. ભારતની આ સફળતા પર ઘણા દેશોએ ખુશી વ્યક્ત કરી છે.યુએસ, જાપાન, યુકે અને યુરોપની અવકાશ એજન્સીઓએ આ મિશન માટે ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. ચાઈનીઝ મીડિયા ગ્લોબલ ટાઈમ્સે પણ ચંદ્રયાન-૩ના લોન્ચિંગનો વીડિયો શેર કરીને ભારતનાં વખાણ કર્યા છે.
ચંદ્રયાન-૩ને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી એલવીએમ-૩એમ-૪ રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. ઈસરોના ચીફ એસ. સોમનાથે લોન્ચિંગ બાદ કહ્યું હતું કે આ ધ્યાને ચંદ્ર તરફની સફર શરૂ કરી દીધી છે. જો બધું યોજના મુજબ ચાલ્યુ તો એ ૨૩ ઓગસ્ટે સાંજે ૫.૪૭ વાગ્યે ચંદ્ર પર ઊતરશે.
ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે ટ્વીટ કરીને કહ્યું- અભિનંદન! ભારતે સફળતાપૂર્વક ચંદ્રયાન-૩ને ભ્રમણકક્ષામાં લોન્ચ કર્યું છે. અવકાશયાન ઓગસ્ટમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. જો ભારત આ પ્રયાસમાં સફળ થાય છે, તો તે ચંદ્ર પર નિયંત્રિત ઉતરાણ કરનાર ચોથો દેશ બની જશે.
ન્યૂયોર્ક ટાઈમ્સે ચંદ્રયાન-૩ના લોન્ચિંગને ભારત માટે ગર્વની વાત ગણાવતાં લખ્યું- ભારતે ચંદ્ર મિશન લોન્ચ કરીને આ વર્ષની મૂન રેસ જીતવાનું મિશન શરૂ કર્યું છે. આ સિવાય ધ ગાર્ડિયને આ મિશનને ઐતિહાસિક ગણાવ્યું છે.
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નીલ્સને કહ્યું હતું કે મને આશા છે કે ચંદ્રયાન-૩ની ચંદ્રની યાત્રા સુરક્ષિત રહેશે. અમે મિશનમાંથી આવતાં વૈજ્ઞાનિક પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ.
પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ પણ ભારત અને ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. ફવાદ પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજીમંત્રી રહી ચૂક્યા છે.
જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીએ ટ્વીટ કર્યું કે અમને આશા છે કે ચંદ્રયાન-૩ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહેશે. ઉપરાંત રોવરે સફળતાપૂર્વક એનું ઓપરેશન કરવું જોઈએ.
યુકે સ્પેસ એજન્સીએ ટ્વીટ કર્યું છે કે લક્ષ્ય ચાંદ છે. ચંદ્રયાનના સફળ લોન્ચિંગ માટે ઈસરોને અભિનંદન. યુરોપિયન સ્પેસ એજન્સીએ પણ ઇસરોને સફળ લોન્ચ માટે અભિનંદન પાઠવ્યા હતા.