જલંધર, જલંધરના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેતી વખતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની બોટનું સંતુલન ખોરવાયું. રાજ્યસભાના સભ્ય સંત બલવીર સિંહ સીચેવાલ પણ તેમની સાથે હતા. બોટમાં મોટી સંખ્યામાં લોકો હોવાના કારણે બોટ પાણીના પ્રવાહની વચ્ચે પહોંચી ત્યારે અચાનક હાલક-ડોલક થવા લાગી હતી.
હોડી પાણીમાં અહી-ત્યાં ડોલવા લાગી. સંત સીચેવાલે તરત જ બોટ પર કાબુ મેળવી લીધો. દરમિયાન બહાર હોબાળો મચી ગયો હતો. બોટમાં વધારે લોકો હોવાથી બોટ એક્તરફ ઝૂકી ગઈ.
મોટર બોટમાં જરૂર કરતાં વધુ લોકો સવાર હતા. જેના કારણે બોટ પાણીમાં થોડે દૂર જતાં જ કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. ત્યારે જ મોટર બોટ હિંચકા ખાવા લાગી. સદનસીબે તે પલટી જતા બચી ગઇ હતી. આ બધું દૂરથી જોઈ રહેલા વહીવટી અધિકારીઓના હાથ-પગ પાણી પાણી થઇ ગયા હતા. . મોટી મુશ્કેલીથી મોટર બોટનો ચાલક તેને બીજી તરફ લઈ જવામાં સફળ રહ્યો હતો. જ્યારે સ્થળ પર હાજર આગેવાનો અને અધિકારીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
જ્યારે સીએમ માન બોટમાં સવાર થયા ત્યારે ક્ષમતા કરતા વધુ લોકો તેમાં સવાર હતા. પરંતુ બોટમાં કેટલા લોકોને લઈ જવા જોઈએ તે તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. અગાઉ અધિકારીઓએ આનું ધ્યાન રાખવું જોઈતું હતું. સામાન્ય રીતે જ્યારે પણ મુખ્યમંત્રી કે કોઈ મોટા નેતાને પૂરગ્રસ્ત વિસ્તારોમાં નુક્સાનીનો હિસાબ લેવાનો હોય ત્યારે વહીવટી અધિકારીઓ દ્વારા મોટર બોટને અગાઉથી સારી રીતે ચેક કરવામાં આવે છે અને તેમાં કેટલા લોકોને લઈ જઈ શકાય તે જોવામાં આવે છે. પરંતુ તેમ છતાં આટલા લોકોને મુખ્યમંત્રીની સાથે બોટમાં બેસતા કેમ રોકવામાં ન આવ્યા આ અંગે સવાલો ઉઠી રહ્યા છે.