આસામમાં શાકભાજીના વધતા ભાવ માટે મુખ્યમંત્રીએ મિયાં સમુદાયને જવાબદાર ગણાવ્યો

  • જો તેમના ઘરમાં ભેંસ દૂધ નહીં આપે તો તેના આરોપ પણ મિયાં પર જ લગાવશે : ઓવૈસી

ગુવાહાટી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં શાકભાજીના વધતા ભાવ માટે મિયાં સમુદાયને જવાબદાર ગણાવ્યો હતો. સરમાએ કહ્યું- શહેરમાં મોટાભાગના શાકભાજી વેચનારા મિયાં છે. તેઓ આસામના લોકોને મોંઘા ભાવે શાકભાજી વેચી રહ્યા છે. સરમાની આ ટિપ્પણી બાદ એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને સરમા પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ લખ્યું- દેશમાં એક એવી મંડળી છે કે તેમના ઘરમાં ભેંસ દૂધ ન આપે કે મરઘી ઈંડા ન આપે તેના આરોપ પણ મિયાં પર લગાવશે.

ઓવૈસીએ આગળ લખ્યું કે, કદાચ તેમની અંગત નિષ્ફળતા માટે ઠીકરું મિયાં ભાઈના માથે ફોડવામાં આવતું હશે. આજકાલ, મોદીજી વિદેશી મુસ્લિમો સાથે ગાઢ મિત્રતા ધરાવે છે, તેમની પાસેથી થોડાક ટામેટાં, પાલક, બટાકા વગેરે માંગીને કામ ચલાવી લો. આસામમાં, બંગાળી મૂળના મુસ્લિમો માટે ’મિયાં’ શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે. તેઓ મૂળ બાંગ્લાદેશથી આવ્યા હતા. આસામના મુખ્યમંત્રી ઘણીવાર મિયા સમુદાયને સાંપ્રદાયિક ગણાવે છે. વર્ષ ૨૦૨૧માં આસામ વિધાનસભા ચૂંટણી પહેલા સરમાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મિયાં સમુદાય આસામની સંસ્કૃતિને બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. સરમાએ તેને બહારના વ્યક્તિ પણ કહ્યા હતા.

ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ચીફ બદરુદ્દીન અજમલે હાલમાં મિયાં પર નિવેદન આપીને તેને ફરીથી ચર્ચામાં લાવ્યા હતા. અજમલે કહ્યું હતું કે, આસામનો સમુદાય મુસ્લિમો વિના અધૂરો છે. મિયાં મુસ્લિમ અને આસામના લોકો ભાઈ સમાન છે. મુસ્લિમ સમુદાય વિના રાજ્યનું અસ્તિત્વ નથી.અજમલના આ નિવેદન બાદ હિમંતા સરમાની હાલની ટિપ્પણી આવી છે. સરમાએ કહ્યું કે, જો આસામના વેપારીઓ આજે શાકભાજી વેચતા હોત, તો તેઓ ક્યારેય તેમના આસામના લોકો પાસેથી વધુ ભાવ ન લેત.

સીએમ સરમાએ આસામના યુવાનોને આગળ આવવા અને શાકભાજી વેચવા કહ્યું. તેમણે ખાતરી આપી હતી કે તેઓ વ્યક્તિગત રીતે ફ્લાયઓવરની નીચેનું માર્કેટ ખાલી કરાવી દેશે જેથી આસામના છોકરાઓને રોજગારીની તકો મળી શકે.સીએમએ વધુમાં કહ્યું કે, આપણે બધાએ જોયું છે કે કેવી રીતે ગુવાહાટી શહેરમાં ઈદ દરમિયાન ઓછી ભીડ જોવા મળે છે. બસોની અવરજવર ઓછી થાય છે. કારણ કે મોટાભાગના બસ અને કેબ ડ્રાઈવરો મિયાં સમુદાયના છે.

આસામના ધુબરીના સાંસદ બદરુદ્દીન અજમલે ફરીથી સરમાના નિવેદનની ટીકા કરી છે. અજમલે કહ્યું કે, મુખ્યમંત્રી રાજ્યના વડા છે અને તેમના મોઢામાંથી આવા શબ્દો સારા નથી લાગતા. તેણે આવું ન કહેવું જોઈતું હતું.અજમલે વધુમાં કહ્યું કે, આ બધું કરીને તે મુસ્લિમો અને આસામના લોકો વચ્ચે વિભાજન કરી રહ્યો છે. આ પછી પણ જો કોઈ ઘટના બનશે તો તેના માટે સરકાર અને સીએમ સરમા જવાબદાર રહેશે.

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ૧૩ જુલાઈના રોજ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એક કરતા વધુ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે. આને લગતું બિલ આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે અમે રાજ્યમાં આ મામલે તાત્કાલિક પ્રતિબંધ લગાવવા માંગીએ છીએ. સપ્ટેમ્બરમાં યોજાનાર વિધાનસભા સત્રમાં તેના પર પ્રતિબંધ મૂકવાનું બિલ રજૂ કરીશું.