- રાજ્ય સરકારે ડીઝલ પરનો વેટ ૯.૯૬ ટકાથી વધારીને ૧૩.૯ પ્રતિ લિટર કર્યો છે.
શિમલા, હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આફત વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળની સુખવિન્દર સિંહ સુખુ સરકારે ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં ૩ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. ડીઝલ પરના વેટમાં સુધારા અંગે શુક્રવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મધરાતથી અમલમાં આવશે. નોટિફિકેશન મુજબ, રાજ્ય સરકારે ડીઝલ પરનો વેટ ૯.૯૬ ટકાથી વધારીને ૧૩.૯ પ્રતિ લિટર કર્યો છે.
આ વધારા બાદ ડીઝલ પર વેટ જે પહેલા ૭.૪૦ રૂપિયા પ્રતિ લીટર હતો તે હવે ૧૦.૪૦ રૂપિયા પ્રતિ લીટર થશે. આ સાથે રાજ્યમાં ડીઝલનો ભાવ હાલના રૂ. ૮૬ થી વધીને રૂ. ૮૯ પ્રતિ લીટર થશે. સુખુ સરકારે સત્તામાં આવ્યા બાદ ડીઝલ પર બે વખત વેટ વધાર્યો છે. આ વર્ષની શરૂઆતમાં ૭ જાન્યુઆરીએ ડીઝલ પર વેટમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે સુખુ સરકારે ડિસેમ્બર ૨૦૨૨માં સત્તા સંભાળી ત્યારે ડીઝલ પર વેટ ૪.૪૦ રૂપિયા પ્રતિ લિટર હતો, જે હવે વધીને ૧૦.૪૦ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
નોંધપાત્ર રીતે, હિમાચલની અગાઉની ભાજપ સરકારે નવેમ્બર ૨૦૨૧ માં પેટ્રોલ અને ડીઝલ પર અનુક્રમે ૭.૫% અને ૮% વેટ ઘટાડીને જનતાને રાહત આપી હતી. ત્યારે વેટમાં ઘટાડાથી રાજ્યમાં પેટ્રોલ ૧૨ રૂપિયા અને ડીઝલ ૧૭ રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું હતું, પરંતુ સુખુ સરકારના આ નિર્ણયને કારણે ડીઝલના દરમાં વધારો થયો છે.
મુખ્યમંત્રી સુખુએ પદ સંભાળ્યા બાદ નિવેદન આપ્યું હતું કે રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી અને તેમની સરકારને આર્થિક સુધારા માટે કડક પગલાં ભરવાની ફરજ પડશે અને લોકોએ આ માટે તૈયાર રહેવું પડશે. હાલમાં હિમાચલ પર દેવાનો બોજ ૭૫ હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. ચોમાસાના કારણે ભારે નુક્સાન વચ્ચે વેટમાં વધારો કરીને મોંઘા થયેલા ડીઝલને સુખુ સરકારે ઝટકો આપ્યો છે. રાજ્યના મંડી અને કુલ્લુ જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રાથમિક અંદાજમાં રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે હિમાચલમાં આઠ હજાર કરોડની સંપત્તિને નુક્સાન થવાની સંભાવના વ્યક્ત કરી છે.