સુરત: ઘર નજીક રમી રહેલા બે વર્ષના બાળકને કાર ચાલકે કચડી નાંખ્યો, કેમેરામાં કેદ થઇ ઘટના

સુરત, શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં આવેલા વેલંજામાં ઘર નજીક રમતા બે વર્ષના બાળક ઉપર સોસાયટીના જ વ્યક્તિએ કાર ચડાવી દીધી હતી. જેને લઇને બાળક ગાડી નીચે કચડાઇ ગયુ હતુ. માસૂમને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યું હતુ. જ્યાં તેનું સરાવાર દરમિયાન કરુણ મોત નીપજ્યુ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ કરૂણ ઘટનાને કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

જે ઘરમાં નાના બાળકો હોય તે ઘરના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ફરી એક વખત સુરતમાં સામે આવ્યો છે. સુરતના છેવાડે આવેલા વેલંજા ખાતે સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા પરશાણીયા પરિવારમાં ચિરાગભાઈના બે વર્ષના પુત્ર કશ્યપ પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે સોસાયટીમાંથી પસાર થતી એક ગાડીએ આ બાળકને કચડી નાંખ્યો હતો. જોકે, બાળકનો પરિવાર તાત્કાલિક ત્યાં દોડી આવ્યું હતું અને આ બાળકને ગાડી નીચેથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સોસાયટીમાં જ રહેતા વ્યક્તિનું યાન ન રહેતા બાળક ઉપર ગાડી ચડાવી દીધી હતી. બાળકના મોતના સમાચારને લઈને પરિવાર સાથે સોસાયટીમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. જોકે, પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો જોઇને લોકો વાહન ચાલક પર ફિટકાર વરસાવી રહ્યા છે.