ચંડીગઢ, પંજાબમાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં ૨૨ હજાર લોકોને ઘર છોડવું પડ્યું છે. સરકાર અને પ્રશાસને આ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૪ જિલ્લાના ૧૧૭૯ ગામો પૂરથી પ્રભાવિત થયા છે.
હાલમાં જે ૧૪ જિલ્લાઓ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યા છે તેમાં પટિયાલા, જલંધર, કપૂરથલા, પઠાણકોટ, તરનતારન, ફિરોઝપુર, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, હોશિયારપુર, રૂપનગર, મોગા, લુધિયાણા, મોહાલી અને સંગરુરનો સમાવેશ થાય છે. બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માન સહિત અનેક મંત્રીઓએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે.
જ્યારે આપત્તિ વ્યવસ્થાપન મંત્રી બ્રહ્મ શંકર ઝિમ્પાએ મોહાલી જિલ્લાના લગભગ એક ડઝન પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી, ત્યારે જળ સંસાધન મંત્રી ગુરમીત સિંહ મીત હેરે પણ ડેરાબસ્સી વિસ્તારમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્ય સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ૨૨૭૬૪ પૂર પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિમાં સુધારો થતાં રાહત શિબિરોની સંખ્યા ૧૮૩થી ઘટાડીને ૧૬૧ કરી દેવામાં આવી છે. પ્રવક્તાએ જણાવ્યું કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે રેપિડ રિસ્પોન્સ ટીમની સંખ્યા ૩૧૫થી વધારીને ૪૦૯ કરી છે, જ્યારે મેડિકલ કેમ્પની સંખ્યા પણ ૧૮૬થી વધારીને ૨૫૨ કરી છે.
પશુપાલન વિભાગે જણાવ્યું છે કે પૂર પ્રભાવિત વિસ્તારોમાં કુલ ૧૭૩૦ પશુઓની સારવાર કરવામાં આવી છે અને ૭૨૫૫ પશુઓને રસી આપવામાં આવી છે. આ ઉપરાંત મોટાભાગના જિલ્લાઓમાં તેમના એચ.એસ. રસીકરણ અભિયાન પૂર્ણ થયું છે. રાહત કાર્યમાં લાગેલી ટીમો જરૂરિયાતમંદ પશુઓને સારવાર, ખોરાક પુરવઠો અને ઘાસચારો વગેરે આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટનું સતત વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં માત્ર પટિયાલા (૩૭૦૦૦) અને રૂપનગર (૧૮૯૩૦)માં ૫૭ હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.