અમરેલી, ગુજરાતમાં હાલ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે જૂનાગઢ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૫૭ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ૧૭ તાલુકામાં એક ઈંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દીવ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. માણાવદરમાં બે કલાકમાં જ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તાઓ પણ પાણી ફળી વળ્યા હતા. તેમજ ભારે વરસાદને કારણે કોર્ટની સામે તેમજ માર્કેટ વાળી ગલી, સોસાયટી અને શેરી-ગલીઓમાંમાં પાણી ભરાયા હતા.
અમરેલી જિલ્લામાં ગુરુવારે ખાંભા, સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. બપોરના સમયે સાવરકુંડલા પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે લુવારા ગામ પાસેથી પસાર થતી સુરજવડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ સમયે લુવારા ગામના એક ખેડૂત પોતાની વાડીએથી ટ્રેકટર લઈને ઘરે ઝઈ રહ્યા હતા ત્યારે જ નદીના પાણીના પ્રવાહમાં ટ્રેકટર તણાવા લાગ્યું હતું. આ સમયે ટ્રેકટરના ચાલક સમયસૂચક્તા વાપરીને કૂદી જતા તેનો બચાવ થયો હતો. જ્યારે ટ્રેકટર પાણીમાં તણાઈ ગયું હતું.