
તેહરાન, પાકિસ્તાનની આર્થિક નબળાઈ હજુ ખતમ નથી થઈ કે અન્ય એક ઈસ્લામિક દેશમાં સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. આ દેશ પાકિસ્તાનનો પાડોશી ઈરાન છે. ઈરાનની બરબાદ થયેલી અર્થવ્યવસ્થા વચ્ચે લોકોને પોતાનું જીવન ચલાવવા માટે ખૂબ જ જોખમી પગલાં ભરવા પડે છે.
ઈરાનના લોકો હવે પૈસા માટે પોતાના શરીરના અંગો પણ વેચવા મજબૂર છે. ઈરાનીઓ ઈન્સ્ટાગ્રામ પર તેમની કિડની, લિવર અને અન્ય અંગો વેચી રહ્યા છે. એટલું જ નહીં, ઈરાનની ગલીઓમાં આવી ઘણી જાહેરાતો છે, જેમાં બ્લડ ગ્રુપ, ઉંમર અને ફોન નંબર પણ લખેલા છે.
આ જાહેરાતો ઈરાનની રાજધાની તેહરાનના વાલિયાસર ચોકમાં મૂકવામાં આવી છે. અહીં રહેતો કહાન કહે છે કે કિડની ખરીદવા માટે કેટલા લોકોએ સંપર્ક કર્યો છે તે હું ગણી શક્તો નથી. કહાને કહ્યું કે તેણે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર તેની જાહેરાત કરી હતી. અહીં અંગો વેચતી ઘણી ચેનલોના ૧૦ હજારથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. એક સમયે કન્સ્ટ્રક્શનનું કામ કરી ચૂકેલા કહાને જણાવ્યું હતું કે આ બિઝનેસમાંથી તેને ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. આટલું જ નહીં, તેને બનાવટના કારણે પૈસા પણ ગુમાવવા પડ્યા હતા.
પશ્ર્ચિમ ઈરાનમાં રહેતા કહાને કહ્યું, આ નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હતો પરંતુ કમનસીબે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યું કે એકવાર ખરીદદાર મળી જાય અને અંતિમ કિંમત નક્કી થઈ જાય, ત્યારે તેઓએ મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે. તેણે કહ્યું, ’એનો ઉપાય શું છે? જે લોકો પોતાની કિડની કે લીવર વેચી રહ્યા છે તેમની પાસે જીવન ચલાવવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. ઈરાન દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં કિડની વેચવી ગેરકાયદેસર નથી.
૧૯૮૦ના દાયકાથી, ઈરાનની સરકારે ૧૦ મિલિયન રિયાલની નિશ્ર્ચિત કિંમત રાખી છે, પરંતુ તેનાથી વધુ પૈસા કાળા બજારમાં જોવા મળી રહ્યા છે. એવી ઘણી સંસ્થાઓ છે જે લોકોને તેમના અંગો વેચતા અટકાવે છે, પરંતુ નાણાકીય સહાય મર્યાદિત છે અને લોકોને તેમના અંગો વેચતા અટકાવવા માટે પૂરતી નથી. એક સર્વે અનુસાર ઈરાનમાં ૧૦ ટકા પરિવારો ૨૦૧૧થી ગરીબીમાં ધકેલાઈ ગયા છે. દરમિયાન ઈરાનમાં મોંઘવારી દર ૪૯ ટકાના સ્તરને પાર કરી શકે છે.