હોંગકોંગની પ્રસિદ્ધ ગાયિકા કોકો લીએના નિધનથી હોલિવૂડ શોકમગ્ન

મુંબઇ, હોંગકોંગની પ્રસિદ્ધ ગાયિકા અને ગીતકાર કોકો લીનું નિધન થયું છે. માત્ર ૪૮ વર્ષની વયે જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. કોકો લીની બહેનોની ફેસબુક પોસ્ટ અનુસાર ગાયિકાએ આત્મહત્યાની કોશિશ કરી હતી ત્યારબાદ તેમનું નિધન થયું હતું. કોકો લીએ ૧૯૯૮ની ડિઝની ફિલ્મ મુલાનના થીમ ગીત રિલેક્શનનું સંસ્કરણ ગાયું અને એંગ લી ના ક્રાઉચિંગ ટાઇગર’, હિડન ડ્રેગન’થી સર્વશ્રેષ્ઠ મૂળ ગીત-નામાંક્તિ એ લવ બિફોર ટાઇમ’ ગાઇને ઓસ્કરમાં પ્રદર્શન કરનારાં પહેલા ચીની-અમેરિકન બન્યાં હતાં.

લીની બહેનો કેરોલ અને નેન્સીના જણાવ્યા પ્રમાણે આત્મહત્યાના પ્રયાસ બાદ તેઓ કોમામાં હતાં. તેમણે શૅર કરેલી પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, કોકો છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિપ્રેશનમાં હતી, પરંતુ પાછળના કેટલાક મહિનામાં તેમની હાલત ખૂબ જ ગંભીર થઇ ગઈ હતી…’ જોકે, કોકોએ અન્ય મદદ પણ માંગી હતી અને ડિપ્રેશન સામે લડવાની ખૂબ કોશિશ કરી હતી પરંતુ દુ:ખની વાત એ છે કે તેઓ ડિપ્રેશનમાંથી બહાર ન આવી શક્યાં. આ બંને બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે, ૨ જુલાઈના રોજ તેમણે ઘરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, તેઓ તેમના મૃત્યુ સમયે પણ કોમામાં હતાં.