દેવગઢબારિયા નગરપાલિકાનું વર્ષ ૨૦૨૧-૨૨ માટે પુરાંતવાળું અંદાજપત્ર મંજૂર

  • વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિકાસલક્ષી ૩૩,૨૫,૦૦૦નું પુરાંતવાળું બજેટ મંજૂર.
  • બજેટમાં જનસુખાકારી અને વિકાસકામોને પ્રાથમિકતા, કોરોના માટે વિશેષ એક્શન પ્લાન.

દે.બારીયા,
દે. બારીયા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ ડો.ચાર્મી સોનીના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૩૩,૨૫,૦૦૦નું પુરાંતવાળું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આગામી નાણાંકીય વર્ષના બજેટમાં વિવિધલક્ષી અને વિકાસલક્ષી પ્રવૃતિઓ અને કામગીરીઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારમાં કોરોના નિયંત્રણ માટેનો એક્શન પ્લાન પણ ઘડાયો હતો. જો કે સામાન્ય સભામાં ત્રણ કાઉન્સિલરો સૂચક રીતે ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો.

આજ રોજ દેવગઢબારિયા નગરપાલિકાના સભાખંડમાં બજેટલક્ષી પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ ડો.ચાર્મી સોનીએ વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. વર્ષ ૨૦૨૧-૨૨ માટેના અંદાજપત્રમાં ૧૯,૪૭,૪૨,૫૦૦ ની અંદાજિત આવક સામે અંદાજિત ખર્ચ ૧૯,૧૪,૧૭,૫૦૦ ની જોગવાઈ કરવામાં આવી હતી. આ રીતે ૩૩,૨૫,૦૦૦ની ચોખ્ખી આવક દર્શાવતું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.
આ બજેટમાં નગરપાલિકાના તમામ વોર્ડ વિસ્તારોના રસ્તાઓ, ગટર, દીવાબત્તી, ફૂટપાથ, પાણી, સફાઇ, આરોગ્ય, સ્વચ્છતા સહિતની જન સુખાકારી માટેના વિવિધ વિકાસકામોના માટે ખર્ચની ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત કબ્રસ્તાન અને મોક્ષરથ માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં કોરોના સંક્રમણ અંગેનો રિવ્યુ અપાયો હતો અને એક્શન પ્લાન ઘડાયો હતો. આ બજેટલક્ષી સામાન્ય સભામાં ઉપપ્રમુખ ગૌરાંગભાઈ પંડયા, ઈકબાલભાઈ પટેલ હનીફભાઇ પીપલોદિયા મહેશભાઇ બાલવાણી, અક્ષયભાઈ જૈન, સજ્જનબા ગોહિલ સહિતના કાઉન્સિલરો, ચીફ ઓફિસર વિજય ઇટાલિયા, તાલુકા હેલ્થ ઓફિસર કલ્પેશ બારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કિરણબેન સોલંકી, શબનાબાનું નિશાર મકરાણી અને શબનાબાનું સાજિદ મકરાણી એમ ત્રણ કાઉન્સિલરો મનસ્વી રીતે મહત્વપૂર્ણ બજેટલક્ષી સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા.