હિમાચલમાં માત્ર ૪ જ દિવસમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યો, હજુ અંદાજે ૨૦ હજાર પ્રવાસીઓ અટવાયેલા

શિમલા, ઉત્તર ભારતમાં આકાશી આફત બંધ થવાનું નામ લઇ રહી નથી. પહેલાં ગરમી અને હવે અતિ વરસાદથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. છેલ્લા ૨૪ કલાકમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં વરસાદમાં ઘટાડો થયો છે પરંતુ વરસાદ પછી ઊભી થયેલી આફતમાં ઘટાડો થયો નથી. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થયો છે. હિમાચલમાં ૭થી ૧૧ જુલાઈ દરમિયાન સામાન્ય કરતા ૪૩૬% વધુ વરસાદને કારણે ૪૦ પુલ તણાઈ ગયા છે.

હિમાચલમાં ૫૦ હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં ૨૫ હજાર લોકો કુલ્લુ-મનાલીમાં ત્રણ દિવસથી ફસાયેલા હતા. ચંડીગઢમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા અને પાણી પુરવઠાને અસર થઈ છે. ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં ગઈ કાલે ત્રણ લોકો નદીમાં તણાઈ ગયા હતા. ચમોલી જિલ્લામાં પાંચ જગ્યાએ ભૂસ્ખલનને કારણે બદરીનાથ હાઈવે પણ બંધ છે. ગંગોત્રી, યમુનોત્રી અને રુદ્રપ્રયાગ હાઈવે પણ બંધ છે. ચમોલી સહિત અનેક જિલ્લામાં આજે શાળાઓ બંધ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યનાં આઠ શહેર – મનાલી, સોલન, રોહરુ, ઊના, ગમરુર, પછાડ, હમીરપુર અને કેલોંગ-જુલાઈમાં એક દિવસના વરસાદે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કિન્નૌર અને લાહૌલ અને સ્પિતિ જિલ્લામાં ચાર દિવસમાં સમગ્ર ચોમાસાની સિઝનમાં ૪૩ ટકા અને ૩૩ ટકા વરસાદ નોંધાયો છે. ગઈ કાલે રાજ્યમાં ૮ મૃત્યુ નોંધાયા હતાં. છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદને કારણે મૃત્યુઆંક વધીને ૩૯ થયો હતો. કુલ્લુમાં અચાનક પૂરમાં ૫ લોકોનાં મોત થયાં હતાં. શનિવારથી લગભગ ૩૦૦ લોકો, મોટાભાગે પ્રવાસી ચંદ્રતાલમાં ફસાયેલા છે. હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાને રાહત શિબિરમાં આશરો લઈ રહેલા લોકોને ૨૫૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મંગળવારે તેમણે પૂર પ્રભાવિત દરેક પરિવારને એક લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી હતી.

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને રસ્તા બંધ થવાને કારણે હજુ પણ લગભગ ૨૦,૦૦૦ પ્રવાસી અટવાયા છે. જ્યાં વીજળી અને ફોન નેટવર્ક પણ નથી. ચંબા, શિમલા, સિરમૌર, કિન્નૌર અને અન્ય જિલ્લાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયેલા છે. તેથી તેઓ સત્તાવાળાઓનો સંપર્ક કરી શક્યા ન હતા. ૨૪ જૂનથી રાજ્યમાં ૮૮ લોકોનાં મોત થયાં છે. ૫૧ જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને ૩૨ જગ્યાએ પૂર આવ્યું છે. મુખ્યપ્રધાને તેને ૫૦ વર્ષમાં રાજ્યની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે.

ભૂસ્ખલન અને પૂરને કારણે કુલ્લુ અને લાહૌલના ઘણા ભાગોમાં રસ્તાઓ કાં તો ધોવાઈ ગયા હતા અથવા કાટમાળથી અવરોધિત થઈ ગયા હતા, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હતા. ફસાયેલા લોકોને હોટલ, રેસ્ટ હાઉસ, હોમ સ્ટે અને અન્ય સ્થળોએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણી હોટલો અને પ્રવાસન એકમોએ ફસાયેલા પ્રવાસીઓને મફત રહેવા અને ભોજનની ઓફર કરી છે અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તેમનાં હોટલનાં સરનામાં અને સંપર્ક નંબર શેર કર્યા છે.