ચાંદખેડાની પ્રેગ્નન્ટ પરિણીતાની હત્યા કે મોત? પતિ પ્રગનેન્ટ પત્નીને રાજસ્થાન લઈ ગયો અને તેની અંતિમવિધિ કરી નાખી

અમદાવાદ, ચાંદખેડામાં પ્રેગ્નન્ટ મહિલાના મોતનો મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં કેટલાક વીડિયો પુરાવા સામે આવતા નવા ખુલાસા થઈ શકે છે. આ કેસમાં યુવતીના પરિવાર દ્વારા તેના સાસરિયા સામે હત્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમણે આ અંગે પોલીસને મળીને ઘટના અંગે જાણ કરી છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. શું પરિણીતાની હત્યા કરવામાં આવતી હતી તેનું કુદરતી મોત થયું હતું તે સહિતના સવાલો હવે ઉભા થઈ રહ્યા છે. આ સિવાય મહિલાનું મોત થયું હોવાની જાણ તેના પરિવારજનોને શા માટે કરવામાં ના આવી તે પણ એક મોટો સવાલ બની રહ્યો છે.

ચાંદખેડા ફરી એકવાર મોત મામલે ચર્ચામાં આવ્યું છે, આ વખતે ઘટનાના જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તેમાં દેખાય છે કે મહિલાનો પતિ અન્યની મદદથી પત્નીને ઉચકીને લઈ જઈ રહ્યો છે. આ દરમિયાન પત્નીનું મોત થઈ ગયું હતું કે કેમ તે પણ એક મોટો સવાલ છે. જોકે, મૃતક યુવતીના પિયરિયા દ્વારા આ મામલે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં દેખાય છે કે યુવતીને ઉચકીને લઈ જવામાં આવે છે અને તેને કારમાં મૂકવામાં આવી છે, આ પછી એક શખ્સ લિફ્ટમાં પરત જાય છે અને મહિલાઓ સહિતના ૭ જેટલા લોકો કાર પાસે પહોંચે છે.

આ ઘટના રાતના સમયે બનેલી છે અને હવે જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે તેના આધારે પોલીસ પરિવારના સભ્યોની તથા મૃતક મહિલાની તપાસ કરીને આ કેસના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરશે. ચાંદખેડાની આ ઘટનામાં મહિલાનું મોત થઈ ગયું હોય તો તેના પિયરિયાને જાણ કરવામાં કેમ ના આવી તે મુદ્દો પણ શંકા વધારી રહ્યો છે.

યુવતીના પિયરિયાને મહિલાની સ્થિતિ કે તેના મોત અંગે જાણ કરવામાં ન આવી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય યુવતીના પરિવારજનોને મોત બાદ જાણ કર્યા વગર રાજસ્થાનમાં તેની અંતિમ વિધિ કરી નાખવામાં આવી હતી.

યુવતી કેટલાક સમયથી પ્રેગ્નન્ટ હતી તેના પતિ સાથે તેના કેવા સંબંધો હતા, સાસરીમાં યુવતીને કનડગત હતી કે કેમ તે તમામ મુદ્દાઓ જાણવા માટે હવે પોલીસ તપાસ કરશે. આ સિવાય જે CCTV ફૂટેજ સામે આવ્યા છે તે પ્રમાણે કોની કારનો ઉપયોગ કરવામાં આવ્યો? કઈ રીતે પરણિતાને રાજસ્થાન લઈ જવામાં આવી તે સહિતના સવાલો પોલીસ દ્વારા તેના પતિ તથા સાસરી પક્ષના સભ્યો કે જેઓ ઘટના દરમિયાન હાજર હતા તેમને પૂછી શકે છે.

આ ઘટના ક્યારે બની અને યુવતીને જ્યારે ઉચકીને કારમાં મૂકવા માટે લઈ જવામાં આવી રહી હતી ત્યારે તે જીવતી હતી કે કેમ તે અંગેના સવાલો પણ મૃતક યુવતીના પતિ સહિતના લોકોને પૂછવામાં આવશે.