ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૭ તાલુકાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી,ચીખલીમાં ૪.૫, અમરેલીમાં ૩.૫ ઇંચ

ગાંધીનગર, ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ થોડી બ્રેક મારી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં બીજા રાઉન્ડના વરસાદમાં હવે મેઘરાજાનું જોર ધીમું પડ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૮૭ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ૨૪ કલાકમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. આ સમયગાળા દરમિયાન ચીખલીમાં ૪.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે.

ચીખલી ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં અમરેલી અને ગણદેવીમાં ૩.૫ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ખેરગામ અને નવસારીમાં ૩-૩ ઈંચ, ઉમરપાડામાં પોણા ૩ ઈંચ, ડોલવણમાં ૨.૫ ઈંચ, કુંકરમુંડામાં સવા ૨ ઈંચ, ઉમરગામમાં સવા ૨ ઈંચ, વલસાડ અને ભરૂચમાં પોણા ૨ ઈંચ, નસવાડી અને લીમખેડામાં પોણા ૨ ઈંચ, ગરુડેશ્ર્વરમાં પોણા ૨ ઈંચ, પારડીમાં પોણા ૨ ઈંચ,,મહુવા અને દેવગઢબારિયામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં મેઘરાજા અમરેલીમાં મન મૂકીને વરસ્યા છે. અમરેલીમાં શહેરમાં બે કલાકમાં ત્રણ ઇંચ અને ૨૪ કલાકમાં ૩.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે અમરેલી શહેરમાં રોડ રસ્તાઓ પર નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા. અમરેલીનો રાજકમલ ચોક પાણી-પાણી થઈ ગયો હતો.

ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમની જળ સપાટી ૧૨૩.૯૫ નોંધાઈ છે. જ્યારે ડેમની ૧૩૮.૬૮ મીટરની મહત્તમ જળ સપાટી ધરાવે છે. આ સાથે જ હાલ ડેમમાં પાણીની આવક ૧ લાખ ૮ હજાર ૨૦૦ ક્યૂસેક જોવા મળી છે. જેમાં ૪ કલાકમાં જળ સપાટીમાં ૧૬ સેમીનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સામે રિવરબેડ પાવર હાઉસમાંથી ૧૩ હજાર ૯૧૪ કયૂસેક અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી ૫ હજાર ૧૯૧ ક્યૂસેક જાવક નોંધાઈ છે.

વરસાદના કારણે બોટાદ જિલ્લામાં કારીયાણી ગામે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુક્સાન થયું છે. ખેડૂતોએ અનેક વાર તંત્રને રજૂઆત છતાં કોઇ નિરાકરણ ન થતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે.