રાહુલે કહ્યું- હું મોદી નથી, ખોટું સાંભળવા ટીવી ચાલુ કરો, શાહે આપ્યો વળતો જવાબ

પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાંથી મમતાદીદી કેન્દ્રની મોદી સરકાર પર ટોણા મારી રહી છે. બીજી તરફ આસામમાંથી રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર ચાબખા મારી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અસમના કામરૂપમાં રેલી કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, હું અહીં પ્રજા પાસે ખોટું બોલવા માટે નથી આવ્યો.

રાહુલ ગાંધીએ રોજગારી અને CAA મુદ્દે ભાજપ સરકાર પર કટાક્ષ કર્યા છે. રાહુલે ઉમેર્યું કે, ભાજપ CAA થકી આસામ પર આક્રમણ કરી રહ્યો છે. હું અહીં તમારી પાસે ખોટું બોલવા નથી આવ્યો. મારૂ નામ નરેન્દ્ર મોદી નથી. આસામ વિશે ખોટું સાંભળવા માગતા હોવ, ખેડૂતો વિશે ખોટું સાંભળવા માગતા હોવ, કોઈ મુદ્દે ખોટું સાંભળવા માગતા હોવ તો ટીવી ચાલું કરી દો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનો જોવો. એમને સાંભળો. તેઓ 24 કલાક ખોટું બોલે છે. ભાજપ સરકાર રોજગારી આપવાના કોઈ પ્રયત્નો કરતો નથી. યુવાનોની મદદ કરતો નથી. એનાથી વિપરીત આસામ પર આક્રમણ કરે છે. CAA આસામ પર આક્રમણ સમાન છે. આ કોઈ કાયદો નથી પણ ઈતિહાસ, ભાષા અને ભાઈચારા પર આક્રમણ છે. એટલા માટે અમે એને અટકાવી રહ્યા છીએ.

બુધવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ આસામમાં રેલી યોજી હતી. તેમણે કહ્યું કે, કાલે તો બદરૂદ્દિન અજમલે કહ્યું કે, સરકારની ચાવી મારી પાસે છે. હું ઈચ્છીશ એ રીતે સરકાર ચલાવીશ. જેને ઈચ્છિશ એને મંત્રી બનાવીશ. અરે બદરૂદ્દિન, સરકારની ચાવી તમારા હાથમાં નહીં આસામની પ્રજાના હાથમાં છે. કાન ખોલીને સાંભળી લો, આસામમાં ઘુસણખોરીના અડ્ડા અમે બનવા નહીં દઈએ. તમને ઉખાડીને ફેંકી દેવાનું કામ ભાજપ કરશે.

કોંગ્રેસના બે નેતાઓ એ ભાઈ-બહેન આસામમાં પ્રવાસ કરવા માટે આવે છે. રાહુલ બાબાને જોયા છે કે નહીં? હજું ચાના બગીચામાં પત્તી ઊગી નથી અને પ્રિયંકા ચાય પત્તી તોડવા માટે ફોટો સેશન કરાવી રહ્યા છે. ચાયની પત્તીની સીઝન હજું આવી નથી. પણ પ્રિયંકા એ પહેલા જ ફોટો પડાવી લીધો. પછી ભલે ચાના બગીચાવાળાનું જે થવું હોય એ થાય. જોકે, પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ તનતોડ મહેનત કરી રહ્યા છે.