મુંબઈ,મહારાષ્ટ્રમાં શિંદે-ભાજપ સરકારમાં એનસીપીનું અજીત પવાર જુથ સામેલ થયા બાદ અને નવ મંત્રીઓની શપથવિધિના ૧૧ દિવસ આડે પણ ખાતાઓની વહેચણી મુદે ચાલી રહેલી તકરારમાં હવે તખ્તો દિલ્હી પહોંચ્યો છે. મંત્રાલયની વહેચણીની સાથોસાથ હજુ વિસ્તરણનો મુદો પણ લટકે છે તમામ ત્રણ સાથી પક્ષો વચ્ચે ઉકેલવાનો બાકી છે. પરંતુ હવે મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલુ થઈ રહ્યું હોવાથી વિસ્તરણનો આ સત્ર બાદ જ તે યોજાશે તેવા સંકેત છે. જો હવે જે તે જીલ્લામાં પ્રભારી મંત્રીઓની નિયુક્તિમાં પણ શિંદે અને અજીત પવાર જૂથ સામસામા આવી ગયા છે.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર તથા તેમના સીનીયર પ્રફુલ્લ પટેલ દિલ્હી પહોંચ્યા છે. જો કે આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાય છે તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા તથા મહારાષ્ટ્રમાં ચાલી રહેલા વિવાદ પર ચર્ચા કરી હતી. તેમની સાથે ઈડીના રડારમાં રહેલા રાજયના મંત્રી હસન મુશ્રીફ પણ દિલ્હી પહોંચ્યા હતા અને તેનાથી અનેકના ભવા ઉંચકાયા છે.
બીજો મુદો કેન્દ્રીય મંત્રીમંડળમાં એનસીપી અજીત પવાર જૂથના સાંસદોનો સમાવેશ કરવાની છે. જેમાં પ્રફુલ્લ પટેલ સૌથી વધુ ચર્ચામાં છે પણ મોદી સરકારના વિસ્તરણ હવે સંસદના ચોમાસુ સત્ર બાદ જ થશે તેવા સંકેત છે. જયારે નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસે આગામી એક-બે દિવસમાં નવા-જૂના મંત્રીઓના ખાતાઓની વહેચણી થશે તેવી ખાતરી છે.
જો કે ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ મોવડીમંડળે અજીત પવાર જૂથને કોઈ ખાસ ટ્રીટમેન્ટ નહી આપવા નિર્ણય લીધો છે અને તેથી જ અજીત પવારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો સમય ના મળ્યો અને ગૃહમંત્રી અમીત શાહે પણ ખાતાઓની વહેચણીનો મુદો સ્થાનિક સ્તરે બેસી ઉકેલવા સલાહ આપી હતી. ભાજપ મોવડી મંડળ હાલ પાંચ રાજયની ચૂંટણી તૈયારીમાં વ્યસ્ત છે અને મહારાષ્ટ્રમાં તે વધુ સક્રીય રહેવા માંગતુ નથી.