કોલંબો, શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ ૨૦૧૯માં ઇસ્ટર નિમિત્તે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોના પીડિતોને વળતરના પ્રથમ હપ્તા તરીકે શ્રીલંકાના ૧.૫ કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી સમયમર્યાદા પહેલા જ ચૂકવી દીધા છે. શ્રીલંકાની સર્વોચ્ચ અદાલતે આ વર્ષે જાન્યુઆરીમાં ૭૧ વર્ષીય સિરીસેનાને અગાઉથી વિશ્ર્વસનીય માહિતી હોવા છતાં દેશના સૌથી મોટા આતંકવાદી હુમલાને રોકવામાં બેદરકારી દાખવવા બદલ પીડિતોને વળતર પેટે ૧૦ કરોડ શ્રીલંક ના રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આઇએસઆઇએસ સાથે જોડાયેલા સ્થાનિક ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ નેશનલ તૌહીદ જમાતના નવ આત્મઘાતી બોમ્બરોએ શ્રીલંકામાં હુમલો કર્યો ત્યારે સિરીસેના દેશના રાષ્ટ્રપતિ અને સંરક્ષણમંત્રી હતા. ૨૧ એપ્રિલ ૨૦૧૯ના રોજ આતંકવાદીઓએ ત્રણ કેથોલિક ચર્ચ અને એટલી જ સંખ્યામાં વૈભવી હોટલોને નિશાન બનાવ્યા ત્યારે ૧૧ ભારતીયો સહિત લગભગ ૨૭૦ લોકો માર્યા ગયા અને ૫૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. કોર્ટે સિરીસેનાને ૧૦ કરોડ શ્રીલંકન રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ભૂતપૂર્વ પોલીસ વડા પૂજિત જયસુંદર અને રાજ્ય ગુપ્તચર સેવાના ભૂતપૂર્વ વડા નીલંથા જયવર્દનેને શ્રીલંકાના ૭.૫-૭.૫ કરોડ અને ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ હેમાસિરી ફર્નાન્ડોને ૫ કરોડ રૂપિયા ચૂકવવા આદેશ કરાયો હતો. સુપ્રીમ કોર્ટે ૧૨ જુલાઈ સુધીમાં નુક્સાની ચૂકવવાનું કહ્યું હતું અને સિરિસેનાએ ૨૮ જૂને ૧.૫ કરોડ રૂપિયા જમા કરાવી દીધા હતા.