બોટાદ, ચોમાસામાં સામાન્ય રીતે રસ્તાઓ પર મસમોટા ખાડા પડી જતા હોય છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ખાડામાં વરસાદી પાણી ભરાવવાને કારણે બોટાદના બરવાળા ગામમાં ચાર વર્ષના બાળકનું પડી જવાથી મોત નીપજ્યુ છે. આ ઘટના બાદ પરિવાર સહિત સ્થાનિકોમાં આક્રોશનો માહોલ છવાયો છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બરવાળાના ચોકડી ગામમાં પાણી ભરેલા ખાડામાં બાળક પડી ગયુ હતુ. આ માસૂમનું ખાડામાં વરસાદી પાણીમાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યું છે. બાળકના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે. આ અકસ્માતને કારણે પરિવારની હાલત કફોડી બની છે. તેઓ આ વાત જીરવી શકે તે હાલત પણ નથી.પરિવારજનના જણાવ્યા પ્રમાણે, બાળક કુદરતી હાજતે જતો હતો. ત્યારે તેના રસ્તા પર મોટા ખાડો હતો અને તેમાં વરસાદી પાણી ભરાઇ ગયું હતુ. જેથી બાળકને આ ખાડો ન દેખાતા તે અંદર પડીને ડૂબી ગયું હતુ. જેના કારણે તેનું મોત થયું છે. આ ખાડો ઘણાં સમયથી છે પરંતુ તંત્ર દ્વારા કોઇ જ જહેમત ઉઠાવીને તેને પુરવામાં આવતો નથી. અમારી માંગ છે કે, હવે તો આ ખાડો પુરો જેથી બીજા કોઇને પોતાનો વ્હાલસોયો ગુમાવવો ન પડે.