પાલનપુર, બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વારંવાર દારુના વેચાણ સામે કડક કાર્યવાહીની માગ કરતા રહે છે. ગેનીબેને અગાઉ ઘણી વાર જનતા રેડ કરીને દારુ બનાવતી ભઠ્ઠીઓ અને દારુ વેચનારાઓને પણ પકડાવ્યા છે. એટલુ જ નહીં અગાઉ ગેનીબેન ઠાકોરે દારૂડિયાઓ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી અને દારૂના વેચાણ મામલે ગેનીબેને પોલીસ સામે ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. ત્યારે તાજેતરમાં દારૂડીયાઓ સામે કાર્યવાહીનું નિવેદન આપનાર ગેનીબેનનો ભાઇ જ દારૂ સાથે ઝડપાયો છે.
બનાસકાંઠાના ભાભરના અબાસણા ગામે એલસીબીએ રેડ પાડી હતી. જેમાં રમેશ નગાજી ઠાકોર અને પ્રહલાદ મણાજી ઠાકોર પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. રમેશ નગાજી ઠાકોર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સગા ભાઈ છે. બે બોટલ સાથે રમેશ ઠાકોર અને ચાર બોટલ સાથે પ્રહલાદ ઠાકોર ઝડપાયા હોવાની માહિતી છે. ત્યારે હવે ભાભર પોલીસ મથકે રમેશ નગાજી ઠાકોર અને પ્રહલાદ મણાજી ઠાકોર વિરુદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.