નવીદિલ્હી, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ બુધવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે આ એક સૌજન્ય મુલાકાત હતી. અમે કેન્દ્રીય કેબિનેટમાં કોઈ પદ માંગ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે સત્તાધારી ગઠબંધનમાં કોઈ વિભાજન નથી. ૧-૨ દિવસમાં મહારાષ્ટ્રમાં પોર્ટફોલિયો (મંત્રાલયો)ની ફાળવણી કરવામાં આવશે. એનડીએ ગઠબંધનના ઘટક પક્ષોની બેઠક ૧૮ જુલાઈએ બોલાવવામાં આવી છે. આ દરમિયાન અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ પણ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.
અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ બુધવારે સાંજે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. પટેલે કહ્યું કે આ અઠવાડિયે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મળેલી બેઠકમાં મંત્રાલયની ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં કેટલીક સમસ્યાઓ હશે.
હાલમાં તમામ વિભાગો ભાજપ અને શિંદેની શિવસેના વચ્ચે વહેંચાયેલા છે. આ બંને પક્ષોએ એનસીપીના મંત્રીઓને ખાતાની ફાળવણી માટે કેટલાક મંત્રાલયો છોડવા પડશે.તેમણે કહ્યું કે અમે સરકારમાં જોડાયાના ૪-૫ દિવસ સુધી ખાતા ફાળવણીનો મુદ્દો ઉઠાવ્યો નથી. થોડા દિવસો પહેલા અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ અમે ૩ બેઠકો કરી હતી.
એ યાદ રહે કે ૨ જુલાઈના રોજ, અજિત પવાર કાકા શરદ પવાર સામે બળવો કરીને ૩૫ થી વધુ ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના (શિંદે) ગઠબંધનમાં જોડાયા. તે જ દિવસે અજીત સહિત એનસીપીના ૯ ધારાસભ્યોએ પદના શપથ લીધા હતા. આ મંત્રીઓને હજુ ખાતા મળવાના બાકી છે. બળવા પછી શરદ પવાર રાજ્યના પ્રવાસે ગયા હતા. ૮ જુલાઈના રોજ નાસિકના યેવલા ખાતે તેમણે કહ્યું હતું કે મેં કેટલાક લોકો પર વિશ્ર્વાસ કરીને ભૂલ કરી છે, હું હવે તે ભૂલનું પુનરાવર્તન નહીં કરું.
આ પહેલા તેણે મીડિયાને કહ્યું હતું કે તે ન તો થાક્યા છે કે ન તો નિવૃત્ત થયા છે. અગાઉ અજિત પવારે કહ્યું હતું કે સાહેબ તેમની ઉંમરે પહોંચી ગયા છે, હવે આપણે તેમને નિવૃત્તિ લઈને આશીર્વાદ આપવા જોઈએ. ત્યારે પવારે કહ્યું હતું કે, ’હું પાર્ટીને ફરીથી બેઠી કરીશ. હું ફરી એકવાર સમગ્ર મહારાષ્ટ્રની મુલાકાત લઈશ.