પાવાગઢ,
યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આવેલ દબાણો વૈકલ્પિક જગ્યા ફાળવ્યા વગર દૂર કરવામાં આવતા પાંચ પરિવારો નોંધારો બન્યા હતા. ટૂંકાગાળાની નોટિસો આપ્યા બાદ તાત્કાલિક અસરથી યજ્ઞશાળા બનાવવાના નામે દબાણો દૂર કરવામાં આવતાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠયો હતો. તંત્ર દ્વારા ૨૦૧૫માં ૬૧મી નોટીસ ૪૦૦ જેટલા લોકોને આપવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા માત્ર પાંચ લોકો સામે કાર્યવાહી કરવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બાવા બજારમાં છેલ્લા પચાસ વર્ષથી ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા પાંચ પરિવારોના મકાન તૂટતાં નોંધારા બન્યા હતા. જે દબાણ દૂર કરવામાં આવ્યા છે. ત્યાં અત્યાર સુધીમાં કોઇ અનિચ્છનીય ઘટના બનવા પામી નથી. તેમ જ નડતરરૂપ હોવાના નામે દબાણો દૂર કરવામાં આવેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ જગ્યા યજ્ઞશાળા બનાવવા માટે ઉપયોગમાં લેવાની હોય તેના કારણે દબાણો તોડવામાં આવ્યા છે. પાવાગઢ ડુંગર ઉપર અસંખ્ય દબાણો કરવામાં આવેલા છે અને માત્ર પાંચ લોકો સામે કાર્યવાહી કરતા ભોગબનનાર પરિવારોની આજીવિકા છીનવાતા રોષે ભરાયા હતા. તાત્કાલિક આ પાંચ પરિવારોને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. હાલમાં આ પરિવારો ઉપર આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.