કાલોલમાં યુરિયા, બીએપી અને સલ્ફેટ ખાતર નહિ મળતા ખેડુતોને ભારે હાલાકી

કાલોલ, કાલોલ સ્થિત જીએસએફસી(સરદાર)ના ડેપો કેન્દ્ર પર ખેડુતોને છેલ્લા એક મહિનાથી રાસાયણિક ખાતર નહિ મળતા ખેડુતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાં ચોમાસુ સીઝનના પ્રારંભે સારો વરસાદ થતા તાજેતરમાં ખેડુતોને વાવણી કરવા માટે પાયાના ખાતરની પ્રાથમિક જરૂરિયાત મુજબ ખેડુતો કાલોલ સ્થિત જી.એસ.એફ.સી.ફર્ટીલાઈઝર કંપની સંચાલિત (સરદાર)ના ડેપો કેન્દ્ર પર ખાતર લેવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ ખેડુતોને ખાતર નહિ મળતુ હોવાની લોકબુમો ઉઠવા પામી છે. ખેડુતોના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનાથી રાસાયણિક ખાતર નહિ મળતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડુતોને ધરમધકકા ખાવાનો વારો આવ્યો છે. જેને પગલે ખાનગી ખાતર ડેપોના વિતરકોને ધી-કેળા થઈ ગયા છે. જોકે ખેડુતોને રાસાયણિક ખાતર નહિ મળતા અંગે ડેપો મેનેજરના જણાવ્યાનુસાર છેલ્લા પોતે એક મહિનાથી નવા ડેપો મેનેજર તરીકે ડેપોનુ પીઓએસ મશીન પણ બંધ હોવાના કારણે ખરીદી અને વિતરણ વ્યવસ્થા બંધ રહી છે. જે અંગે જિલ્લા કેન્દ્રને રજુઆત કરી છે. તેમ છતાં પીઓએસ મશીન અંગે કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી તેવો બચાવ કર્યો હતો. તદ્ઉપરાંત હાલ ડેપોમાં રાસાયણિક ખાતરો પૈકી ડીએપીનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ પીઓએસ મશીનને કારણે સરદાર યુરિયાનો જથ્થો જ ઉપલબ્ધ નહિ હોવાથી મશીન અપડેટ્સ કરવામાં આવે પછી જ ખેડુતોને ખાતર મળવાપાત્ર થશે એવી જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે,ડેપો પરથી એક તરફ ખેડુતોને તેમની જમીનની નકલ અને આધારકાર્ડને આધારે ખેત પેદાશોના બિયારણ વિતરણ કરવામાં આવે છે. પરંતુ ખાતર નહિ મળે તેવી બેવડી નિતીઓ અંગે સવાલો ઉઠવા પામ્યા છે. જેથી કાલોલના સરદાર ડેપો પર રાસાયણિક ખાતર સત્વરે ખેડુતોને મળવાપાત્ર બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે.