ઝાલોદ, ઝાલોદ રામસાગર તળાવ પાસે મુસ્લિમ ધાંચી સમાજનુ કબ્રસ્તાન આવેલુ છે. સાથે નજીક ખોડિયાર મંદિર પણ હોવાથી ભકતો દરરોજ પુજા-અર્ચના કરવા માટે આવતા છે. તેવામાં છેલ્લા ધણા સમયથી ગંદકી ઠાલવવામાં આવતા સ્થાનિક રહિશો અને ગામના આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તથા આ વિસ્તારની સ્ટ્રીટ લાઈટ પણ બંધ હોવાથી હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થળ ખાતેની ગંદકીની સફાઈ કરવા અને પાલિકા દ્વારા કચરો ન નાંખવા મુદ્દે થોડા સમય પહેલા જ લેખિતમાં પાલિકાને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા ગંદકીની સમસ્યા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સ્થળ ખાતે ભેગા મળીને વિરોધ નોંધાવ્યો હતો. તાત્કાલિક ધાર્મિક સ્થાનો પાસેથી ગંદકી હટાવવા માટે પ્રાંત અધિકારીને આવેદન આપીને ધારદાર રજુઆતો કરી હતી. પાલિકાના અધિકારીને અને સભ્યોને અનેકવાર મોૈખિક-લેખિત રજુઆતો બાદ પણ ગંદકી તરફ કોઈ જ ઘ્યાન આપવામાં ન આવતા અસહ્ય ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો એકાએક ગંદકી સ્થળ પર જઈને વિરોધ શરૂ કરતા નગરના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. આ મામલે જો જવાબદાર વિભાગ દ્વારા ગંદકી હટાવવા નહિ આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.