પાવાગઢ તળેટીના ગામમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન

પાવાગઢ, યાત્રાધામ પાવાગઢના સર્વાંગી વિકાસ કરાય તેવી સ્થાનિકો દ્વારા માંગણી ઉઠી રહી છે. યાત્રાધામ પાવાગઢ આમ તો ત્રણ ભાગમાં વહેંચાયેલુ છે. પાવાગઢ ગામ જે તળેટીના નામે ઓળખાય છે. બીજી માંચી હવેલી અને પાવાગઢ માઉન્ટ જે ડુંગર તરીકે ઓળખાય છે. ગુજરાત સરકાર દ્વારા અને યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુકત સહકાર દ્વારા થયેલા વિકાસ કાર્યો ઉડીને આંખે વળગે છે. ગત વર્ષે વડાપ્રધાન શિખર વિહોણુ આ મંદિરનુ નવનિર્માણ કર્યા બાદ ઈતિહાસમાં પ્રથમ વખત ધજા ફરકાવીને આ વિસ્તારનો ઉદ્ધાર કર્યો હતો ત્યારે ખાટલે મોટી ખોટ હોય તેવી મોબાઈલ કનેક્ટિવિટી સેવા સદંતર નિષ્ફળ છે. પાવાગઢ તળેટીથી માઉન્ટ તરફ પ્રયાણ કરીએ તરત જ મોબાઈલ સેવા બંધ થઈ જાય છે. સર્વ પ્રથમ આ ક્ષતિ દુર કરવી આવશ્યક છે. પાવાગઢનો મહત્તમ વિકાસ માંચી હવેલી અને માઉન્ટ ઉપર થઈ રહ્યો છે. પાવાગઢ તળેટી ગામમાં જે રોડ હાલ બિસ્માર અને ખખડધજ અવસ્થામાં હાલ જોવા મળે છે. તાકિદે સંપુર્ણ નવીનીકરણ કરવાની સ્થાનિકોની માંગ છે. હાલ યાત્રાળુઓ ગામમાં પ્રવેશ તૈયાર નથી કારણ કે, પ્રવેશતા જ મસમોટા ખાડા નજરે પડે છે. આ બાબતે તાત્કાલિક ધોરણે કામગીરી થાય તેમ લોક માંગણી તિવ્ર બની છે. પાવાગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની માંગણી કરવામાં આવી છે. છતાં આ માંગણી ઉપર કોઈ ઘ્યાન સુદ્ધા આપતુ નથી. પશુ દવાખાનાની રજુઆતો પણ કોઈ સાંભળવા તૈયાર નથી.