
હૈદરાબાદ, એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ કાવડ યાત્રાને કારણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં માંસની દુકાનો બંધ કરાવવા બદલ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ મામલાને યુનિફોર્મ સિવિલ કોડ સાથે જોડી દીધો છે. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે કાવડ યાત્રા દરમિયાન માંસની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. ધામક લાગણીના નામે રોજગાર છીનવી લેવું શરમજનક છે. જો તમે રસ્તા પર નમાજ અદા કરો છો, તો એફઆઇઆર નોંધવામાં આવે છે. શું એક દેશમાં બે કાયદા નથી? ઓવૈસીએ ટ્વીટ કર્યું, ‘જો તમે રસ્તા પર નમાઝ અદા કરો છો તો FIR નોંધવામાં આવે છે, પરંતુ કાવડ યાત્રા માટે માંસની દુકાનો ઢાંકીને બંધ કરવામાં આવી રહી છે. ધાર્મિક લાગણીના નામે રોજગારનો અધિકાર છીનવી લેવો એ શરમજનક બાબત છે.
પોતાના ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કરતા ઓવૈસીએ લખ્યું, ‘શું એક દેશમાં બે કાયદા નથી? તમારી સમાન નાગરિક્તાની વાતો દંભ છે. ઓવૈસીએ પોતાના ટ્વીટમાં એક તસવીર પણ શેર કરી છે, જેમાં માંસની દુકાનો ઢંકાયેલી બતાવવામાં આવી છે. આ દરમિયાન ઓવૈસીએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ દ્વારા હિન્દુ ભાઈઓના ઘણા અધિકારો છીનવી લેવામાં આવશે. ઓવૈસીએ કહ્યું કે આ નવો નિયમ મેરેજ એક્ટ સહિત હિન્દુઓના ઘણા અધિકારો છીનવી લેશે.
હિન્દુ મેરેજ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે સપિંડ સંબંધ હોઈ શકે નહીં. આ ઉપરાંત, રિવાજને અપવાદ તરીકે દર્શાવીને અલગથી પરવાનગી આપવામાં આવી છે. મતલબ કે લગ્નની પરવાનગી રિવાજ મુજબ આપવામાં આવી છે. પરંતુ જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તો આવા અધિકારો છીનવી લેવામાં આવશે. તે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો યુનિફોર્મ સિવિલ કોડમાંથી અમારા અધિકારો છીનવી લેવામાં આવશે, તો તે તમારી પાસે જશે. તેમણે કહ્યું કે આ એક કાયદાથી આદિવાસી સમાજના ઘણા અધિકારો છીનવાઈ જશે. તેમણે કહ્યું કે આ દેશની વિવિધતાની વિરુદ્ધ છે અને તેનાથી તમામ સમાજોને નુક્સાન થશે.