ભાજપને તમામ રાષ્ટ્રીય પક્ષોની કુલ રકમથી ત્રણ ગણું ડોનેશન મળ્યું

નવીદિલ્હી, રાજકીય પક્ષોને ૨૦૧૬-૧૭થી ૨૦૨૧-૨૨ના ગાળામાં મળેલા ડોનેશનમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો ચૂંટણી બોન્ડ્સનો રહ્યો છે. ભાજપને સૂચિત ગાળામાં તમામ રાષ્ટ્રીય પક્ષોની કુલ રકમ કરતાં વધુ ડોનેશન મળ્યું હોવાનું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલમાં જણાવાયું છે.

થિન્ક ટેન્ક એડીઆરના જણાવ્યા અનુસાર સાત રાષ્ટ્રીય પક્ષો અને ૨૪ પ્રાદેશિક પક્ષોને ૨૦૧૬-૧૭થી ૨૦૨૧-૨૨ના ગાળામાં લગભગ રૂ.૧૬,૪૩૭ કરોડનું ડોનેશન મળ્યું છે.

જેમાંથી લગભગ ૫૬ ટકા અથવા રૂ.૯,૧૮૮.૩૫ કરોડ ચૂંટણી બોન્ડ્સ દ્વારા મળ્યા છે. ભાજપે સૂચિત ગાળામાં રૂ.૧૦,૧૨૨.૦૩ કરોડનું ડોનેશન મળ્યું હોવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ રૂ.૧,૫૪૭.૪૩ કરોડ સાથે બીજા અને તૃણમૂલ કોંગ્રેસ રૂ.૮૨૩.૩૦ કરોડના ડોનેશન સાથે ત્રીજા ક્રમે છે. ભાજપને મળેલું ડોનેશન અન્ય તમામ રાષ્ટ્રીય પક્ષોની કુલ રકમ કરતાં ત્રણ ગણાથી વધુ છે. રાજકીય પક્ષોને કોર્પોરેટ ક્ષેત્ર તરફથી રૂ.૪,૬૧૪.૫૩ કરોડનું ડોનેશન મળ્યું છે, જે ૨૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે અન્ય સ્ત્રોતો તરફથી ૧૬.૦૩ ટકા વધુ રૂ.૨,૬૩૪.૭૪ કરોડનું ડોનેશન મળ્યું છે.

એડીઆરે જણાવ્યું હતું કે, કુલ ડોનેશનમાં ૮૦ ટકાથી વધુ લગભગ રૂ.૧૩,૧૯૦.૬૮ કરોડની રકમ રાષ્ટ્રીય પક્ષોને મળી છે. જ્યારે રૂ.૩,૨૪૬.૯૫ કરોડ (૧૯.૭૫ ટકા) પ્રાદેશિક પક્ષોને મળ્યા છે. ૨૦૧૭-૧૮થી ૨૦૨૧-૨૨ના ગાળામાં રાષ્ટ્રીય પક્ષોને ચૂંટણી બોન્ડ્સથી મળેલા ડોનેશનમાં ૭૪૩ ટકા ઉછાળો નોંધાયો છે. જ્યારે કોર્પોરેટ ડોનેશન ૪૮ ટકા વધ્યું છે. સૌથી વધુ ડોનેશન લોક્સભા ચૂંટણીના વર્ષ ૨૦૧૯-૨૦માં (રૂ.૪,૮૬૩.૫૦ કરોડ) મળ્યું હતું. ત્યાર પછી ૨૦૧૮-૧૯માં રૂ.૪,૦૪૧.૪૮ કરોડ અને ૨૦૨૧-૨૨માં રૂ.૩,૮૨૬.૫૬ કરોડ ડોનેશન પેટે પ્રાપ્ત થયા હતા. ભાજપને ચૂંટણી બોન્ડ્સ દ્વારા બાવન ટકા ડોનેશન મળ્યું છે. જેમાં ૩૨ ટકા હિસ્સો કોર્પોરેટ ગૃહોનો છે. બહુજન સમાજ પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાને સંપૂર્ણ ડોનેશન અન્ય સ્ત્રોતો તરફથી મળ્યું છે. પ્રાદેશિક પક્ષોમાં બીજુ જનતા દળ (બીજેડી)ને ૮૯.૮૧ ટકા ડોનેશન અથવા રૂ.૬૨૨ કરોડ ચૂંટણી બોન્ડ્સથી મળ્યા છે. ટીઆરએસે રૂ.૩૮૩.૬૫ કરોડ અને વાએસઆર-સી પક્ષે રૂ.૩૩૦.૪૪ કરોડના ડોનેશનની જાહેરાત કરી છે. છ વર્ષમાં પ્રાદેશિક પક્ષોએ જાહેર કરેલા પ્રત્યક્ષ કોર્પોરેટ ડોનેશનમાં ૧૫૨ ટકા ઉછાળો નોંધાયો છે.