
- આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
નવીદિલ્હી, ૨૦૨૪માં યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને તમામ વિપક્ષી પાર્ટીઓ ૧૮ જુલાઈએ ફરી એકવાર બેઠક કરવા જઈ રહી છે. આ બેઠકમાં સોનિયા અને રાહુલ ગાંધી પણ હાજરી આપે તેવી શક્યતા છે. વિપક્ષી દળોની આ બીજી બેઠક હશે, આ પહેલા પટનામાં તમામ વિપક્ષી દળોએ ગયા મહિને જ બેઠક કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૮ જુલાઈએ યોજાનારી બેઠક પહેલા સોનિયા ગાંધીએ તમામ વિપક્ષી પાર્ટીઓને ડિનર માટે પણ આમંત્રણ આપ્યું છે. આમ આદમી પાર્ટીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી ૧૮મી જુલાઈએ યોજાનારી આ બેઠકના એક દિવસ પહેલા આ ડિનરનું આયોજન કરી શકે છે.
સોનિયા ગાંધીએ તમામ વિપક્ષી દળોને ડિનર માટે આપેલા આમંત્રણને વિપક્ષી દળોને એક કરવા અને વિપક્ષી એક્તાને વધુ મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે બિહારની રાજધાની પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની પ્રથમ બેઠકમાં ૧૫ પાર્ટીઓએ ભાગ લીધો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિરોધ પક્ષોની બીજી બેઠકમાં આઠ નવા પક્ષો પણ ભાગ લઈ શકે છે. બીજી બેઠકમાં ભાગ લેવા જઈ રહેલા પક્ષોમાં એમડીએમકે, કેડીએમકે, વીસીકે, આરએસપી, આરએસપી, એઆઇએફબી,આઇયુએમએલકેરળ કોંગ્રેસ (જોસેફ), અને કેરળ કોંગ્રેસ (મણિ)નો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે કેડીએમકે અને એમડીએમકે ૨૦૧૪માં ભાજપ સાથે ગઠબંધનમાં હતા.
નોંધપાત્ર વાત એ છે કે, વિપક્ષને એક કરવા અને ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી માટે રણનીતિ બનાવવાના ઉદ્દેશ્ય સાથે બિહારની રાજધાની પટનામાં વિપક્ષી દળોની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડના નેતા નીતિશ કુમારની પહેલ પર આયોજિત આ બેઠકમાં ૧૫ વિપક્ષી પાર્ટીઓના ૩૨ નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ચાર કલાક સુધી ચર્ચા ચાલી હતી. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતીશ કુમારે કહ્યું હતું કે વ્યાપક વિપક્ષી એક્તા તરફ આ પહેલું પગલું છે. ૨૦૨૪ નજીક આવતા સુધીમાં, વધુ પક્ષો આ જોડાણમાં જોડાશે.
રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ યાદવે કહ્યું હતું કે રાજ્યની સૌથી મોટી પાર્ટીએ નેતૃત્વ કરવું જોઈએ, અન્ય પક્ષોએ સમર્થન કરવું જોઈએ. મોટી પાર્ટીઓએ મોટું દિલ બતાવવું જોઈએ. સીટની વહેંચણીમાં કોંગ્રેસનો ખુલ્લો અને લવચીક અભિગમ હોવો જોઈએ.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું હતું કે માત્ર ચૂંટણી જ નહીં, લોકશાહીની રક્ષા માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભાજપ સામે વિપક્ષનો એક જ ઉમેદવાર હોવો જોઈએ. આ ભારતની જનતા અને મોદી વચ્ચેની લડાઈ છે.