અમદાવાદમાં મેદાન ન ધરાવતી શાળાઓ સામે તવાઇ આવશે

અમદાવાદ, સરકાર દ્વારા શિક્ષણ સ્તર વધારવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે. જો કે બીજી તરફ શાળાઓ નિયમોનો ઉલ્લંઘન કરતી જોવા મળી રહી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે મોટુ મેદાન હોવું ફરજીયાત છે. જો કે અમદાવાદમાં ઘણી બધી શાળાઓ એવી છે કે કોઇ નિયમોને અનુસર્યા વગર ખોલી દેવાઇ છે. ત્યારે અમદાવાદમાં મેદાન વગરની શાળાઓ સામે હવે પગલાં લેવામાં આવશે તેવી માહિતી મળી છે.

અમદાવાદ ડીઇઓ દ્વારા તમામ શાળાઓની વિગતો માગવામાં આવી છે. શાળાઓ પાસે મેદાન છે કે નહીં અને વૈકલ્પિક વ્યવસ્થા છે કે નહીં તેની વિગતો માગવામાં આવી છે. શાળાઓમાં નિયમ પ્રમાણે મેદાન વગરની શાળાઓએ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. અનેક શાળાઓ દ્વારા મેદાનની વ્યવસ્થા ન કરાતા સ્પોર્ટ્સ એક્ટિવીટી થઈ શક્તી નથી. જેના કારણે વિદ્યાર્થીઓનો વિકાસ અટકે છે. ત્યારે હવે જલ્દી જ આ શાળાઓમાંથી મેદાન ન ધરાવતી શાળાઓ પર કાર્યવાહી થઇ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.