પાલનપુર, બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા ત્રણના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. વડગામના નાવિસણા ગામે વિજ થાંભલા સાથે બાધેલા તાર પર મહિલા કપડા સૂકવવા જતા કરંટ લાગ્યો હતો. જ્યારે ઘટનામાં પિતા અને પુત્ર બચાવવા જતા તેમનું પણ મોત નિપજ્યુ હતું. જ્યારે ઘટના બાદ ત્રણેયને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનુ મોત નિપજ્યુ હતુ.ગામમા ત્રણ લોકોના મોત નિપજતા શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
મળતી માહિતી અનુસાર, વડગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન નાવિસણા ખાતે થાંભલા સાથે બાંધેલા લોખંડના તાર ઉપર એક મહિલા કપડા સુકવી રહી હતી. તે સમયે લોખંડના તારમાંથી વીજ પ્રવાહ પસાર થતો હોવાથી મહિલાના વીજ કરંટ લાગ્યો હતો. જેથી મહિલાએ મદદ માટે બુમાબુમ કરી હતી. જેના પરિણામે ઘરમાંથી તેમના પતિ અને પુત્ર દોડી ગયા હતા. તેમજ મહિલાને બચાવવાના પ્રયાસ કર્યાં હતા. પરંતુ બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનાને પગલે એકત્ર થઈ ગયેલા લોકોએ ભારે જહેમત બાદ તેમને વીજ કરંટથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગ્રામજનોએ ત્રણેયને વડગામ સીએચસી સેન્ટર ખસેડ્યા હતા. જોકે સારવાર દરમિયાન ત્રણેયના મોત નીપજ્યાં હતા. વીજ કરંટથી ત્રણના મોત થવાની ઘટનાથી નાવિસણા ગામમાં શોકની લાગણી પ્રસરી હતી. ત્રણેયના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.